Trending Online Fruad Video: ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તહેવારોની સિઝન ચાલી રહી છે અને દરેક શોપિંગ વેબસાઈટ તેમના ગ્રાહકોને લલચાવવા માટે મોટાભાગની પ્રોડક્ટ્સ પર ઘણી આકર્ષક ઓફરો આપી રહ્યા છે. તહેવારોને કારણે લોકો પણ જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. બિહારના એક વ્યક્તિએ શોપિંગ વેબસાઇટ પરથી ડ્રોન કેમેરા પણ મંગાવ્યો હતો, પરંતુ કુરિયર દ્વારા તેને એક કિલો બટાકા મોકલવામાં આવ્યા છે.
લોકો ઘરે બેઠાં બેસ્ટ ડીલ દ્વારા શોપિંગ વેબસાઇટ્સ પર સતત ખરીદી કરતા હોય છે. જો કે આ મામલે કેટલાક લોકો છેતરપિંડીનો શિકાર પણ બની રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે દિલ્હીના એક વ્યક્તિને લેપટોપને બદલે ડિટર્જન્ટ સાબુ મોકલવામાં આવ્યો છે. હવે આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. આ ઘટના નાલંદાના પરવલપુરની છે જ્યાં એક વ્યક્તિએ વીડિયો બનાવીને દાવો કર્યો છે કે તેણે મીશો નામની શોપિંગ સાઈટ પરથી ડ્રોન કેમેરા મંગાવ્યો હતો પરંતુ તેના બદલામાં તેને એક કિલો બટાકા મળ્યા હતા.
વીડિયોમાં તમે જોયું કે બિહારનો આ ગ્રાહક વીડિયો રેકોર્ડ કરતી વખતે મીશો ડિલિવરી એજન્ટને પાર્સલ અનબૉક્સ કરવાનું કહે છે. જ્યારે ડિલિવરી એજન્ટ પાર્સલ ખોલે છે, ત્યારે ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા નીકળે છે. દરમિયાન, ડિલિવરી એજન્ટ એવું કહેતા સાંભળી શકાય છે કે આમાં તેની કોઈ ભૂમિકા નથી.
શું છે સમગ્ર મામલો
ચૈતન્ય કુમાર નામના આ વ્યક્તિએ મીશો શોપિંગ સાઇટ પરથી ડ્રોન કેમેરા મંગાવ્યો હતો, જેની બજાર કિંમત 84,999 રૂપિયા હતી, પરંતુ તે મીશો પર માત્ર 10,212 રૂપિયામાં મળી રહી હતી. તેને થોડી શંકા થઈ અને તેણે કંપની પાસેથી આ વિશે માહિતી લીધી, પછી મીશોએ તેને કહ્યું કે આ ફેસ્ટિવલ સીઝન માટે એક મોટી ઑફર છે, તેથી તેને આટલી ઓછી કિંમતે કેમેરા મળી રહ્યો છે. ત્યારબાદ ચૈતન્યએ ઓનલાઈન સંપૂર્ણ પેમેન્ટ કરીને ડ્રોન કેમેરાનો ઓર્ડર આપ્યો હતો.
પોલીસ તપાસ ચાલુઃ
હાલ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. કંપની સામે પુરાવા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરવલપુર એસએચઓએ કહ્યું છે કે આ મામલે સંપૂર્ણ તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.