નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (13 જૂન) ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનારા ચક્રવાત બિપરજોય અંગે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રીએ ગુજરાતમાં આવનારા ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
દરમિયાન અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઘણી સફળતા હાંસલ કરી છે અને તેને કોઈ નકારી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે પરંતુ આપણે તેનાથી સંતુષ્ટ રહી શકીએ તેમ નથી કારણ કે આફતોએ તેમનું સ્વરૂપ બદલ્યું છે અને તેની તીવ્રતા વધી છે. તેમણે કહ્યું હતું કે હવે આપણે આ સમસ્યાઓનો સામનો કરવા માટે બિઝનેસ પ્લાન બનાવવો પડશે. તેમણે કહ્યું હતું કે નવા વિસ્તારોમાં પણ આપત્તિ આવી રહી છે, આપણે આ માટે પણ પોતાને તૈયાર કરવાની જરૂર છે.
અમિત શાહે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવથી આપત્તિઓ વધી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને સરકારે વધુ મજબૂત કર્યું છે. 2004 બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુદ્દે કેન્દ્ર, રાજ્યોએ સામૂહિક જવાબદારી લીધી હતી. તમામ આપત્તિઓ વખતે કેન્દ્ર, રાજ્ય અને નાગરિકો એકસાથે રહ્યા હતા. કોરોના સહિતના સંકટો સામે લડીને ભારતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આપત્તિ આવે ત્યાં કેન્દ્ર સરકાર રાજ્યની અપીલ પહેલા જ સહાય મોકલે છે.
મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 14 અને 15 જૂને ભારે વરસાદ વરસશે. 14 જૂને અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને 15 જૂને અસરગ્રસ્ત જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ ભારે વરસાદની સંભાવના છે.