Cyclone Biparjoy Big Updates: ચક્રવાત બિપરજોય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે 15 જૂન સુધીમાં પહોંચવાની અપેક્ષા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડું તેનું સૌથી ઉગ્ર સ્વરૂપ બતાવશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જારી કરીને તેને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનની શ્રેણીમાં જાહેર કર્યું છે. માછીમારોને દરિયામાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લામાં વાવાઝોડાની મહત્તમ અસર થવાની સંભાવનાને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે વાવાઝોડાને લઈને અત્યાર સુધીના મોટા અપડેટ્સ શું છે.


અત્યારે વાવાઝોડુ ક્યાં છે


IMD અનુસાર, ચક્રવાત બિપરજોય હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે, જે ગુજરાતના જખૌ બંદરથી લગભગ 290 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે.


આ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 300 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, નલિયાથી 310 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 350 કિમી પશ્ચિમે છે.


ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 15 જૂનની સાંજે જખૌ બંદર નજીકથી માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થતાં સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરે તેવી શક્યતા છે.


આ ખતરનાક બની શકે છે


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.


કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જીલ્લામાં છાણવાળા મકાનો સંપૂર્ણપણે નાશ પામી શકે છે.


કચ્છના મકાનોને વ્યાપક નુકસાન થવાની આશંકા સાથે પાકાં મકાનોને પણ નજીવું નુકસાન થઈ શકે છે.


ચક્રવાતી વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિફોનના થાંભલા ધરાશાયી થઈ શકે છે.


ટ્રેનની અવરજવર ખોરવાઈ શકે છે.


ઉભા પાક, વાવેતર અને બગીચાને નુકસાન પહોંચાડી શકે છે.


વરસાદની આગાહી


હવામાન વિભાગે ચક્રવાતને કારણે બુધવારે (14 જૂન) ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.


15 જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.


90 થી વધુ ટ્રેનો રદ


વાવાઝોડાને કારણે રેલવેના કામકાજ પર પણ અસર પડી છે. તોફાનના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.


પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું છે કે 15 જૂન સુધી લગભગ 95 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અથવા ટૂંકાવી દેવામાં આવી છે.