Cyclone Dana:  ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ પ્રક્રિયા ગુરુવારે રાત્રે શરૂ થવાની અને શુક્રવાર સવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. લેન્ડફોલ પ્રક્રિયા શુક્રવાર સવાર સુધી લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલશે. ત્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની આશંકા છે. ઉંચા મોજાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી બે-ત્રણ કિલોમીટર સુધી અંદર આવી શકે છે. આગામી 24 કલાક માટે વધારાની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ ​​144 લાગુ કરવામાં આવી છે, આ ઉપરાંત, પારાદીપથી ઇરસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.






નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો ચક્રવાતને કારણે થયેલા નુકસાનને રોકવા માટે રોકાયેલા છે. બચાવ કાર્યમાં નૌકાદળના બે જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા છે.






સાઉથ ઈસ્ટર્ન રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો રદ કરી છે. ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે. નેવીએ કહ્યું કે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.






ગુરુવારે મોડી રાત્રે ઓડિશાના કિનારે પહોંચેલા ચક્રવાતની અસરમાં કુલ સાત રાજ્યો જોવા મળી રહી છે. તેમાંથી ત્રણ રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તોફાનના કારણે બંગાળના શમશેરગંજ અને ફરક્કામાં ત્રણ બોટ પલટી ગઈ હતી અને 16 માછીમારો લાપતા થયા હતા. ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પરથી લગભગ 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રેલવેએ કુલ 552 ટ્રેનો રદ કરી છે.


કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ 15 કલાક માટે બંધ રહેશે


સાવચેતીના પગલા તરીકે ઓડિશા અને બંગાળના એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ ગુરુવાર સાંજથી 15 કલાક માટે બંધ રહેશે.