બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફોની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. હાલ આંધ્ર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યાર પુરીમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
ફોની ચક્રાવાત ઓડિશાના કાંઠા તરફથી આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અહેવાલો મુજબ ફોનીની ઝડપ વધીને 23 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. શુક્રવારે બપોર સુધી ફોની ઓડિશાના કાંઠે ત્રાટકવાની આગાહી હતી પરંતુ હવે સવારે ફોની પુરીના ગોપાલપુરમાં પહોંચે તેવી સંભાવના છે.
ફોનીના કારણે ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થાય તેવી સંભાવના છે. ફોનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે.
રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા અંદાજે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. સુત્રોના મતે 52 શહેરો અને 10,000 ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ચક્રવાત ફોનીના કારણે ઓરિસ્સાના દરિયાકિનારાના જિલ્લાઓમાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.રાજ્યમાં સરકારી આરોગ્ય કર્મચારીઓની રજાઓ 15મી મે સુધી રદ કરી દેવાઈ છે અને રજા પર ગયેલા કર્મચારીઓને ફરજ પર પરત ફરવાના આદેશ આપી દીધા છે.