કાનપુરઃ અત્યાર સુધી તમે ચોરી ધાડ પાડવાની અનેક પ્રકારની ઘટનાઓ વિશે સાંભળ્યું શે પરંતુ હવે લોકોએ ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. જાણીને આશ્ચર્ય થશે કે પરંતુ લોકો હવે વાંદરા દ્વારા ચોરી કરાવવા લાગ્યા છે. યૂપીના કાનપુરમાં ધોળે દિવસે માલિકના ઈશારા પર વાંદરાએ ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.




આ સમગ્ર ઘટના કાનપુર બહાર સ્થિત બારાઝોડ ટોલ પ્લાઝાની છે. અહીં બુધવારે લગભગ સવા ચાર કલાકે કાનપુર તરફથી એક કાર આવે છે, અને ટોલ પ્લાઝા પર ઉભી રહે છે. 35 સેકન્ડના વીડિયોમાં 20 સેકન્ડ પર તમને એક સફેદ રંગની કાર ઉભી રહેતી જોવા મળશે. ત્યારે જ 22 સેકન્ડ પર તે કારની ડ્રાઈવીંગ સીટ પરથી એક વાંદરો નીકળે છે, અને સીધો ટોલ પ્લાઝાના કર્મચારીના કેબિનમાં દાખલ થઈ જાય છે. કર્મચારી કઈં સમજે તે પહેલા તો વાંદરો નોટોનું બંડલ ઉઠાવી પાછો કારમાં ડ્રાઈવર સીટ તરફ જવા લાગે છે. જોકે, કારમાં બેઠેલો ડ્રાઈવર તે વાંદરાને ધક્કો મારી ભગાવી મુકે છે. પરંતુ ત્યારબાદ વાંદરો નોટોનું બંડલ લઈ ત્યાંથી રફૂચક્કર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, વાંદરો જે નોટોનું બંડલ લઈ ભાગી ગયો હતો, તેમાં પાંચ હજાર રૂપિયા હતા.

વાંદરાની ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટોલ કર્મી જ્યારે કાર ચાલકને વાંદરા વિશે પૂછે છે તો, કાર ચાલક કહે છે વાંદરો ક્યાંથી આવ્યો હતો મને નથી ખબર. કાર ચાલક પોતાની જાતને પુખરાયાનો રહેવાસી જણાવે છે. લાંબા સમય બોલાચાલી બાદ કાર ચાલક ત્યાંથી રવાના થઈ જાય છે.