Jawad Cyclone Tracker: બંગાળની ખાડીમાં હવાનું દબાણ ચક્રવાત જવાદમાં ફેરવાઇ ગયું છે. હવામાન વિભાગના મતે તોફાન આજે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા પાસે પશ્વિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ આ તોફાન ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકિનારા સાથે ટકરાશે. તોફાન જવાદ આવતીકાલે એટલે કે પાંચ ડિસેમ્બરના રોજ પુરીના દરિયાકિનારે પહોંચશે. તોફાનની અસરના કારણે પુરીમાં આજે સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. સાથે દરિયામાં લહેરો ઉંચી ઉછળી રહી છે. એનડીઆરએફના અધિકારીઓએ તોફાન જવાદને કારણે 64 જેટલી ટીમો તૈનાત કરી છે.
તોફાનના કારણે હવાની ઝડપ 90-100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે ઓડિશાના ગંજમ, પુરી, ખુર્દા, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લા પર તોફાનની અસર વધુ થઇ શકે છે. ઓડિશાના દરિયાકાંઠે ટકરાયા બાદ તોફાનની ઝડપ ધીરે ધીરે ઓછી થવાની આશા છે.
ઓડિશા સરકારે તોફાન જવાદને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 19 જિલ્લામાં ચાર ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેમાં ગંજામ, પુરી, ગજપતિ, નયાગઢ, જગતસિંહપુર, કેન્દ્રપાડા, રાયગઢ, કટક, કંધમાલ, અંગુલ બાલેશ્વરનો સમાવેશ થાય છે. ઓડિશા સરકારે સરકારી અધિકારીઓની રવિવારનો વીક ઓફ રદ કરી દીધો છે. માછીમારોને દરિયાકિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને સતર્ક રહેવાની પણ અપીલ કરાઇ છે. તોફાન પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ એનાઉસમેન્ટ કરી સતત લોકોને એલર્ટ કરી રહી છે.
હવામાન વિભાગના એલર્ટ બાદ રવિવાર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં માછીમારોને કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે. વહીવટીતંત્રએ ઓડિશા અને આંધ્રપ્રદેશના તમામ રેલ ઝોનને સતર્ક રહેવાનું કહ્યું છે અને રેલવેએ અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો 4-5 ડિસેમ્બર માટે રદ કરી દીધી છે.