Cyclone Michaung:   સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી હતી.






'મિચોંગ'ની સ્થિતિ પર હવામાન વિભાગે શું કહ્યું?


વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન 'મિચોંગ' આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે બાપટલા નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે.






આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ


હિન્દુસ્તાન ટાઈમ્સ અહેવાલ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ 8 જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.


 






દરમિયાન ચક્રવાતી વાવાઝોડું 'મિચોંગ' આજે સવારે 8:30 વાગ્યે ચેન્નઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું હતું. હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. 4 અને 5 ડિસેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને પુંડુંચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામી સાથે વાત કરી હતી. ચક્રવાત 'મિચોંગ'ના કારણે પડકારરૂપ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.