Cyclone Remal:   ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ વાવાઝોડું છે. રવિવાર સાંજ સુધીમાં, એક તીવ્ર વાવાઝોડું બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. તેનું નામ રેમલ (Cyclone Remal)રાખવામાં આવ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ પ્રણાલી અનુસાર, આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે. IMD અનુસાર, રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


બંગાળની ખાડીમાં પ્રી-મોન્સુન સીઝનમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે.


દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી


હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો ઝડપથી પોતાની ગતિ વધારી રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની તાકાત જાળવી રાખે છે. 


આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં આવતુ આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં ભારે અસર પડશે.


આ જિલ્લાઓમાં 25મીથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26મીએ પવનની ઝડપ 80થી 100 કિલોમીટરની વચ્ચે રહેશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને પવન ચાલુ રહેશે.