નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'રેમલ'(Cyclone Remal )ના ટકરાવવાના એક દિવસ બાદ સોમવારે ભારે તબાહી જોવા મળી રહી છે. ગઈ કાલે રાત્રે જ્યારે વાવાઝોડું અહીં પહોંચ્યું ત્યારે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ચક્રવાતી તોફાને બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. 'રેમલ'ના પહોંચવાની પ્રક્રિયા રવિવારે રાત્રે 8.30 કલાકે શરૂ થઈ હતી.






વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપત્તિને ભારે નુકસાન થયું છે. ગંભીર ચક્રવાતી તોફાન "રેમલ" ના ટકરાવવાના પહેલા ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂર્વ અને દક્ષિણ પૂર્વીય રેલ્વેએ સાવચેતીના પગલા તરીકે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી ટ્રેન સેવાઓ રદ કરી છે. હાલમાં ચક્રવાત કેન્દ્રની આસપાસ 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.






વાવાઝોડાની અસરને કારણે પવનની ઝડપ 135 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ ચક્રવાત 'રેમલ'ની સંભવિત અસરને કારણે રવિવાર બપોરથી 21 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સહિત કુલ 394 ફ્લાઈટોને અસર થઈ હતી. 


ઓડિશા અને બંગાળના ઘણા શહેરોમાં વાવાઝોડા રેમલનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ અને તોફાન જોવા મળી રહ્યું છે. રસ્તો પર વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ બની છે. ભારતીય નૌકાદળ અને NDRFની ટીમો ચક્રવાત (Cyclone) રામલને લઈને એલર્ટ મોડ પર છે.


ગંભીર ચક્રવાતી તોફાન (Cyclone) રામલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર દ્વીપ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.


આ સમયગાળા દરમિયાન, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, દીઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી અને હાવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો હતો. 


રાજધાની કોલકાતામાં 100 થી વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કોલકાતા અને સુંદરબનમાં બે લોકોના મોત થયા છે.