Cyclone Tej Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત 'તેજ' રવિવાર બપોર પહેલા ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS)માં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેજ વાવાઝોડું 21 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગ્યે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર, સોકોત્રા (યમન)થી લગભગ 330 કિમી પૂર્વમાં, સલાલાહ (ઓમાન)થી 690 કિમી પૂર્વમાં તીવ્ર બન્યું હતું. 22 ઓક્ટોબરની બપોરે આ વાવાઝોડું અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
અરબી સમુદ્ર પર સર્જાયેલું વાવાઝોડું 25 ઓક્ટોબરની વહેલી સવારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
અગાઉ, હવામાન એજન્સીએ કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર દબાણ ક્ષેત્ર બની ગયું છે અને તે રવિવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને અડીને આવેલા યમન દરિયાકાંઠા તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.