નવી દિલ્હીઃ ઓનલાઇન સર્વેક્ષણમાં ભાગ લેનારા દેશ અને વિદેશના 63 ટકાથી વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે 50 ટકા લોકો વડાપ્રધાન મોદીને બીજો કાર્યકાળ આપવાના પક્ષમાં છે અને તેમનું કહેવું છે કે તેમના બીજા કાર્યકાળથી સારુ ભવિષ્ય મળશે. ન્યૂઝ પોર્ટલ ‘ડેઇલીહંટ’ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની  ‘નીલ્સન ઇન્ડિયા’એ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેમનો સર્વેક્ષણ દેશ અને વિદેશના 54 લાખ લોકોના વિચારો પર આધારિત છે. સર્વેક્ષણ અનુસાર, 63 ટકા લોકોએ નરેન્દ્ર મોદીમાં 2014ની તુલનામાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને છેલ્લા ચાર વર્ષોમાં તેમના નેતૃત્વ ક્ષમતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે 50 ટકા લોકોનું માનવું છે કે મોદીના બીજા કાર્યકાળથી તેમને સારુ ભવિષ્ય મળશે. આ વર્ષમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મામલે સર્વેમાં દાવો કરાયો હતો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીગસઢના લોકો હજુ પણ મોદીમાં વિશ્વાસ ધરાવે છે. બીજી તરફ કોગ્રેસે આ સર્વેના પરિણામોને નકલી અને વિચિત્ર ગણાવ્યા છે. કોગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હતાશ મોદી સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને જ્યાં ચૂંટણી યોજાવાની છે તેવા પાંચ રાજ્યોમાં હારનો સામનો કરી રહી છે. આ પ્રકારના બેકાર સર્વેક્ષણથી સરકારને ક્યારેય પણ સમર્થન મળતું નથી જેને અગાઉથી જ સરકાર દ્ધારા ફગાવી દેવામાં આવ્યા છે. ડેઇલી હંટ અને નીલ્સન ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, આ સર્વેક્ષણ રાજનીતિથી પ્રેરિત નથી અને આ દેશના લોકોનો અવાજ દર્શાવે છે.