નવી દિલ્હી: સરકારે હાલમાંજ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે એસટી-એસસી અત્યાચાર નિવારણ સંશોધન અધિનિયમ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. તેમ છતાં દલિત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન કર્યું છે. આ બિલને લઈને દલિત વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. આ બંધનો હેતુ દેશભરમાં સામાન્ય જનજીવનને અવ્યવસ્થિત કરવાનું છે. દલિત આંદોલનને જોતા પોલીસ અને તંત્ર એલર્ટ છે. ભિંડ અને ગ્વાલિયરમાં આઠ ઓગસ્ટથી ધારા 144 લાગુ કરી દીધી છે.
દલિત સમુદાય કેન્દ્ર સરકાર પર પોતાની માંગને લઈને દબાણ બનાવી રહ્યા છે અને પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડવા માટે સમુદાયના કાર્યકર્તા દિલ્હીના કનૉટ પ્લેસ સહિત અનેક રસ્તાઓ, બજારોમાં પ્રદર્શન અને રેલીઓ કરશે. અશોક ભારતીએ જણાવ્યું કે સંગઠનની માંગને લઈને લગભગ બે કરોડ પોસ્ટર કાર્ડ્સ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સંસદમાં બિલ રજૂ કરવાના સવાલ પર અશોક ભારતીએ કહ્યું કે, સરકારનું અદાલત પર કોઈ નિયંત્રણ નથી જેથી કંઈ પણ થઈ શકે છે અને દલિતોને આત્મવિશ્વાસ આપવા માટે સરકાર પાસે કોઈજ સ્પષ્ટ નિર્ણય નથી.