ચંદીગઢઃ આંતરરાષ્ટ્રીય રેસલર બબિતા ફોગાટ પિતા મહાવીર ફોગાટ સાથે આજે વિધિવત રીતે બીજેપીમાં સામેલ થઇ ગયા છે. મહાવીર ફોગાટે આજે જનનાયક જનતા પાર્ટીને છોડીને બીજેપીનો ખેસ પહેર્યો હતો. હરિયાણા ચૂંટણી પહેલા ભાજપે રાજ્યમાં મોટો દાવ રમીને બન્ને લોકપ્રિય રેસલરને પોતાની તરફ ખેંચી લીધા છે.

બબિતા ફોગાટ અને તેના પિતા મહાવીર ફોગાટ બન્ને રમત ગમત અને યુવા મામલોના મંત્રી કિરણ રિજિજૂ અને હરિયાણા પ્રદેશ બીજેપી અધ્યક્ષ સુભાષ વડાલાની ઉપસ્થિતિમાં બીજેપીમાં સામેલ થયા હતા. બન્ને જણાનું પાર્ટીમાં સ્વાગત કરતા રિજિજૂએ કહ્યું કે, બબિતાએ આંતરરાષ્ટ્રીય રેસલિંગમાં મેડલ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે. તેમના પિતા મહાવીર ફોગાટે જબરદસ્ત કૉચિંગ આપ્યુ છે. પુત્રીઓને વિશ્વ લેવલની ખેલાડીઓ બનાવી છે.



બીજેપીમાં સામેલ થવાના પ્રશ્નના જવાબમાં મહાવીર ફોગાટે કહ્યુ કે, અમને નરેન્દ્ર મોદીની નીતિઓ અને કાર્યક્રમો ખુબ ગમ્યા છે, અમે પ્રભાવિત થયા છીએ. કલમ 370 હટાવવો મોદી સરકારનો સરસ અને પ્રસંશનીય નિર્ણય છે.



ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ પહેલા બીજેપીએ રાજ્યમાં કમર કસવાનુ શરૂ કરી દીધુ છે.