નવી દિલ્લી: માયાવતી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દયાશંકર સિંહનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દયાશંકરે માયાવતીની ફરી એકવાર માફી માગી છે. તેમજ તેમણે કહ્યું કે, મારી પત્ની અને દીકરીના વિરુદ્ધમાં માયાવતીએ તેના કાર્યકર્તાઓને ભડકાવ્યા છે.

 

વધુમાં દયાશંકરે કહ્યું હતું કે, ‘મેં જે કઈ કહ્યું તે ખોટું હતું. મને મારી ભુલનો અહેસાસ છે. મારે આમ કરવું ના જોઈતું હતું. 19 મેના રોજ આપેલા ઈન્ટરવ્યુમાં મેં ખોટું ઉદાહરણ આપ્યું હતું. પરંતુ બીએસપી હંમેશા તેમને જ ટિકિટ આપે છે જેની પાસે વધારે પૈસા હોય. અપશબ્દ બાદ મેં તરત જ તેમની માફી માગી હતી અને ફરી એકવાર માફી માગી રહ્યો છું.’

 

આ ઉપરાંત દયાશંકર સિંહે જણાવ્યું હતું કે, ‘હું પોલિસ સાથે વાત કરવા તૈયાર છું. જ્યાં મને જવાનું કહેવામાં આવશે ત્યાં હું જઈશ પરંતુ મને સુરક્ષાની જરૂર છે. બીએસપીના સમર્થકોએ મારી જીભ કાપવાની ધમકી આપી છે. તો કોઈએ મારા પર ઈનામ રાખ્યું છે. જે માટે મેં માફી માગી છે તે અપરાધ માટે મને ચાર સજા આપવામાં આવી. તેમ છતા માયાવતીએ મારા વિશે અપશબ્દ કહેવા માટે તેમના કાર્યકર્તાઓને ભડકાવ્યા હતા.’

 

દયાશંકર સિંહે વધુમાં કહ્યું કે, ‘બીએસપીના કાર્યકર્તાઓ અને નેતાઓની મારી પત્ની અને દીકરી માટે અપશબ્દ કહેવાની હિંમત કઈ રીતે થઈ? શું મારી પત્ની અને દીકરીનું સમ્માન માયાવતીથી ઓછું છે? મારા પરિવારને બીએસપીવાળા ધમકી આપી રહ્યા છે. ટીવી પર ન્યૂઝ જોઈ મારી દીકરી ટ્રોમામાં છે. મને સમજમાં નથી આવતું કે બીએસપી મારી પત્ની અને દીકરીને કેમ માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. મારા કારણે તેમને આ બધું સહન કરવું પડી રહ્યું છે. મારી પત્નીએ એફઆઈઆર નોંધાવી છે તો કાયદો તેનું કામ કરશે પરંતુ માયાવતી તેમના નેતાઓ પર કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા?’