નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા સૌથી ચર્ચિત કેસ મહિલા પહેલવાનો મામલે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. મહિલા કુસ્તીબાજોની યૌન ઉત્પીડનના મામલામાં એફઆઈઆર નોંધવામાં આનાકાની કરનારા દિલ્હી પોલીસના અધિકારીઓ સામે હવે કાર્યવાહી થઈ શકે છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ અંગે ભલામણ કરી છે, અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ખેલાડીઓની જાતીય સતામણીની ફરિયાદ પર એફઆઈઆર ન નોંધવા બદલ દિલ્હી પોલીસના અધિકારીઓ વિરુદ્ધ IPCની કલમ 166Aની કલમ C હેઠળ કેસ નોંધવાની ભલામણ કરી છે. 


દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરને મહિલા સુરક્ષાને લઇને ભલામણો મોકલી છે. આ પહેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે પણ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં એફઆઈઆર નોંધવામાં દિલ્હી પોલીસની નિષ્ફળતા પર નોટિસ આપવામાં આવી છે. 






સ્વાતિ માલીવાલે ભલામણમાં કહ્યું છે કે, દિલ્હી મહિલા આયોગને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી અંગેની ફરિયાદો મળી છે. ફરિયાદીએ કમિશનને માહિતી આપી છે કે, તેમના કાર્યકાળ દરમિયાન રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. આ અંગે મહિલા ખેલાડીઓએ 21 એપ્રિલ 2023ના રોજ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ હજુ સુધી દિલ્હી પોલીસના અધિકારીઓએ ફરિયાદ નોંધી નથી, ઉલટું ફરિયાદકર્તાઓ અને તેમના પરિવારજનોને ફોન પર ધમકીઓ મળી રહી છે. .


આ વાતને લઇને હવે મામલા વધુ વકર્યો છે, આ દર્શાવે છે કે દિલ્હી પોલીસ 5 દિવસ વીતી જવા છતાં FIR નોંધવામાં નિષ્ફળ રહી છે. આ સાથે ન્યાય માટે લડતી મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવામાં પણ નિષ્ફળ રહી છે. જે યુવતીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તેમની ઓળખ પણ આરોપીને લીક કરવામાં આવી છે. જેના કારણે તેને કેસ નહીં કરવાની ધમકી આપવામાં આવી રહી છે