ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઈન એર ઈન્ડિયાના 1,500 થી વધુ પાઈલટોએ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને અરજી મોકલી છે. આમાં પાઇલટ્સે રિવાઇઝ સર્વિસ એગ્રીમેન્ટ અને અપડેટેડ સેલેરી સ્ટ્રક્ચરને લઇને હ્યુમન રિસોર્સ વિભાગ સાથે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પાઇલટોને લાગે છે કે હાલની HR ટીમ દ્વારા તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી નથી. એટલા માટે તેમણે રતન ટાટાને આ વિવાદમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.


1,504 પાઇલટ્સે હસ્તાક્ષર કર્યા


પિટિશનમાં પાઈલટોએ લખ્યું હતું કે અમે HR વિભાગ સાથે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમને લાગે છે કે એર ઈન્ડિયાના કર્મચારીઓ તરીકે અમે જે આદર અને ગરિમાના હકદાર છીએ તેવો અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી. આ કારણે અમારું મનોબળ ઘટી ગયું છે અને અમે ચિંતિત છીએ. તેમણે કહ્યું કે આનાથી અમારી ફરજો નિભાવવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડશે. કુલ 1,504 પાઈલટોએ અરજી પર હસ્તાક્ષર કર્યા છે.


સેલેરી સ્ટ્રક્ચરથી નારાજ


17 એપ્રિલે એર ઈન્ડિયાએ પાઈલટ અને કેબિન ક્રૂ માટે નવા સેલેરી સ્ટ્રક્ચરની  જાહેરાત કરી હતી. જેમાં પાઇલટ્સનું ફ્લાઇંગ એલાઉન્સ બમણું કરીને 40 કલાક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું હતું કે પાઇલટ્સને સેવાના વર્ષોના આધારે ઇનામ આપવામાં આવશે. બે પાઈલટ યુનિયનો - ઈન્ડિયન કમર્શિયલ પાઈલટ્સ એસોસિએશન (ICPA) અને ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ (IPG) એ સુધારેલા સેલેરી સ્ટ્રક્ચર અને સર્વિસ એગ્રીમેન્ટ પર નિરાશા વ્યક્ત કરી છે.


એરલાઇન્સમાં મોટા ફેરફારોની તૈયારીમાં


એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને  એરએશિયા ઈન્ડિયાની સંપૂર્ણ માલિકી ટાટા સન્સની છે. વિસ્તારા એ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું 51:49નું સંયુક્ત સાહસ છે. હાલમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર એશિયા ઈન્ડિયા સાથે મર્જ કરવાની પ્રક્રિયામાં છે જેથી એર ઈન્ડિયા પાસે ઓછી કિંમતની પેટાકંપની હોય. વધુમાં, એર ઈન્ડિયા પોતે વિસ્તારા સાથે મર્જ કરવાની પ્રક્રિયામાં છે.


એચઆર અને પાઇલટ્સ એસોસિએશન વચ્ચે વિવાદ


દરમિયાન, એર ઈન્ડિયાની એચઆર ટીમે 16 અને 17 એપ્રિલના રોજ ICPAના અલગ અલગ સભ્યોને ઈમેલ મોકલ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક સભ્યને 'સીનિયર કમાન્ડર'ના પદ પર પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ મંથલી 'મેનેજમેન્ટ એલાઉન્સ' માટે પાત્ર બનશે. જ્યારે સભ્યોએ સંશોધિત સર્વિસ એગ્રીમેન્ટ પર ઇ-સાઇન નહી હોય તો ત્યારે તેમને 20 એપ્રિલના રોજ રીમાઇન્ડર મોકલવામાં આવ્યું હતું.


HR ટીમે જણાવ્યું હતું કે સંશોધિત સર્વિસ એગ્રીમેન્ટ 24 એપ્રિલ સુધી માન્ય રહેશે. 21 એપ્રિલના રોજ ICPA એ એર ઈન્ડિયાને કાનૂની નોટિસ મોકલી જેમાં જણાવ્યું હતું કે ICPA સભ્યો બળજબરીથી મેનેજમેન્ટ કેડરમાં પ્રમોશન મેળવવા માંગતા નથી. તેઓ તેમની વર્તમાન સ્થિતિ અને ભૂમિકા જાળવી રાખવા માંગે છે. નોંધનીય છે કે 27 જાન્યુઆરી, 2022ના રોજ એર ઈન્ડિયા લગભગ 69 વર્ષ પછી સત્તાવાર રીતે ટાટા ગ્રુપમાં પરત ફર્યું હતું.