કોંગ્રેસ પાર્ટીની વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યથી વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં જ્યાં નેતાઓની તરફથી ઝડપથી આંતરિક ચૂંટણી કરવાની અપીલ કરાઇ. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બળવાખોરો પર ભડકયા હતા. અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણીની આટલી બધી ઉતાવળ કેમ છે, શું નેતાઓને સોનિયા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી?

CWCની બેઠકમાં અશોક ગેહલોત અંદાજે 15 મિનિટ સુધી બોલ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે આજે કિસાન આંદોલન, મોંઘવારી, અર્થતંત્ર જેવા કેટલાંય મુદ્દા ચાલી રહ્યા છે એવામાં તેના પર ફોકસ કરવાની જરૂર છે અને સંગઠનની ચૂંટણી બાદમાં પણ કરાવી શકાય છે. ટૂંક સમયમાં સંગઠનની ચૂંટણી કરાવાને લઇ ગેહલોતે કહ્યું કે શું તેમને સોનિયા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી.

આ બેઠકમાં અશોક ગેહલોત અને કૉંગ્રેસના મોટા નેતા આનંદ શર્માની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અશોક ગહેલોતે અસંતુષ્ટ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું વારંવાર ચૂંટણી માંગ જે નેતાઓ કરી રહ્યા છે શું તેમને પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ નથી. જ્યારે આનંદ શર્માએ સીડબ્લ્યૂસી સદસ્યોની ચૂંટણી કરવાની માંગ કરી હતી.

કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં આજે સંગઠન ચૂંટણી, ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં કેંદ્રીય ચૂંટણી સમિતિએ કૉંગ્રેસ અધ્યક્ષ સહિત સંગઠનની ચૂંટણી તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી બાદ મે મહિનામાં કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.