Ayodhya Deepotsav 2023: સરયુનો કિનારો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો છે, જ્યાં દરેક જગ્યાએ લાખો માટીના દીવાઓ ઝગમગી રહ્યાં છે. આ એક એવું દ્રશ્ય છે જે અયોધ્યાના લોકોએ એક વર્ષની રાહ જોયા બાદ ફરી એકવાર જોયું છે. આ પ્રસંગે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ અયોધ્યામાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અદ્ભુત દ્રશ્યના સાક્ષી બનવા માટે 54 દેશોના રાજદ્વારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સરયૂના કિનારે સ્વયંસેવકોને દીવા પ્રગટાવવા માટે પ્રોત્સાહિત કરવા હાજર છે.
દીવાઓથી પ્રકાશિત અયોધ્યાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બધા જ ઘાટ ઝળહળી રહ્યા છે. ઊંચાઈ પરથી લેવામાં આવેલા આ વીડિયોમાં એવું લાગે છે કે જાણે લાઈટોની ઝાલર લગાવવામાં આવી છે. એક તરફ જ્યાં સરયૂના 51 ઘાટ પર સ્વયંસેવકો દીવા પ્રગટાવી રહ્યા હતા, તો બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથ સરયૂ માતાની આરતી કરી રહ્યા હતા. આ પ્રસંગે સીએમ યોગીની સાથે વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સમાજને જોડવા દીપોત્સવનું આયોજન - સીએમ યોગી
2017માં જ્યારે સીએમ યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વર્ષમાં થોડા લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. તે પછી દર વર્ષે દીવાઓની સંખ્યા વધતી રહી. ગયા વર્ષે 15.76 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે 2023માં માત્ર રામ કી પૌડીમાં 21 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ સરયૂ ઘાટ પરનું વાતાવરણ ભક્તિમય છે અને ત્યાં હાજર દરેક વ્યક્તિ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. સાથે જ ઘાટ પર ભક્તિ ગીતોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સીએમ યોગીએ દીપોત્સવને લઈને પોતાના નિવેદનમાં કહ્યું કે, આનું આયોજન સમાજને એક કરવા માટે કરવામાં આવ્યું છે.