Ayodhya Deepotsav: આ વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી રહી છે. અયોધ્યાની દિવાળી છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર આ દિવાળી ચર્ચામાં આવી છે. બુધવારે (30 ઓક્ટોબર) અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.






આ રેકોર્ડ સૌથી વધુ સંખ્યામાં લોકો દ્ધારા એક સાથે દીવા પ્રગટાવવા અને સૌથી મોટા તેલના દીવાઓનું પ્રદર્શન છે. આ રેકોર્ડ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25,12,585 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન ગિનીસ અધિકારી પાસેથી સર્ટિફિકેટ લીધું હતું.


25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા






આઠમા દીપોત્સવ નિમિત્તે સરયુ નદીના કિનારે 25 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેણે સૌથી વધુ સંખ્યામાં દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક કારીગરોને દીવાઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આદિત્યનાથે સમારોહનું નેતૃત્વ કર્યું અને તેમના કેબિનેટ સભ્યો સાથે પ્રથમ થોડા દીવાઓ પ્રગટાવીને દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી જયવીર સિંહ પણ હાજર રહ્યા હતા. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ લલા મંદિરના અભિષેક બાદ આ પહેલો દીપોત્સવ હતો.


આ પ્રસંગે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું હતું અને ભગવાન રામને સમર્પિત સંગીતની ધૂન ગુંજી રહી હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.


બુધવારે અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો, જ્યારે આઠમા દીપોત્સવના ભાગ રૂપે રામાયણના પાત્રોની જીવંત ઝાંખીઓ સાથેની શોભાયાત્રા મંદિરના નગરમાંથી પસાર થઈ હતી. અંતમાં પૌરાણિક પાત્રોને લઈને નીકળેલી શોભાયાત્રાનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'આરતી' સાથે સ્વાગત કર્યું હતું.


દીપોત્સવ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા માત્ર ભગવાન રામનું જન્મસ્થળ જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું વૈશ્વિક કેન્દ્ર પણ છે. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમની સફળતા માટે અયોધ્યાના લોકો અને સ્થાનિક વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી અને તેને એક એવો ઉત્સવ ગણાવ્યો હતો જે ભારતની સંસ્કૃતિ, એકતા અને ધાર્મિક ભક્તિનું પ્રતીક છે.