લખનઉ: આ દિવાળી પર રાજા રામની નગરી અયોધ્યા લાખો દીવાઓથી ઝગમગી ઉઠી છે. અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની આધારશિલા મૂક્યા બાદ આ પ્રથમ દિવાળી છે. એવામાં દીપોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી. સરયૂ નદીના કિનારે 5.51 લાખ દીપ પ્રગટાવી એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેને ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે, અયોધ્યા સાથે સદીઓ સુધી ઘણો અન્યાય થયો પરંતુ હવે એવું નહીં થાય અને અયોધ્યાને તેનું ગૌરવ મળશે.

સીએમ યોગીએ અયોધ્યામાં આયોજીત દિવ્ય દીપોત્સવમાં શ્રી રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યા બાદ કહ્યું કે, આજે જે અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્રણ વર્ષ પહેલા કેટલાક લોકો અયોધ્યાનું નામ લેવાથી ડરતા હતા. તેમણે કહ્યું કે, હવે બધુ બદલાઈ ગયું છે. લોકો અયોધ્યા આવવા માંગે છે. આ વખતે અમે 5.51 લાખ દીપ અયોધ્યામાં પ્રગટાવ્યા, હવે આવતા વર્ષે 7.51 લાખ દીપોથી અયોધ્યામાં રોશની થશે.