Rahul Gandhi Defamation Case: માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના 7 જુલાઈના આદેશને પડકારતાં તેમણે કહ્યું હતું કે, જો તે આદેશ પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે સ્વતંત્ર વાણી, મુક્ત અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચારો ગૂંગળાઈ જશે.
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની મોદી અટક સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જો અરજદારને રાહત નહીં આપવામાં આવે તો તે તેની કારકિર્દીના આઠ વર્ષ ગુમાવશે.
રાહુલ ગાંધીએ અરજીમાં શું કહ્યું?
રાહુલ ગાંધીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વ્યવસ્થિત રીતે, વારંવાર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડશે અને પરિણામે લોકશાહી ગૂંગળાઈ જશે, જે ભારતના રાજકીય વાતાવરણ અને ભવિષ્ય માટે ખરાબ છે. કોંગ્રેસના નેતાએ ફરિયાદીના દાવાને ફગાવી દીધો હતો કે તેમના ભાષણે મોદી અટક સાથે લોકોને બદનામ કર્યા હતા.
"વાયનાડના લોકોને થશે નુકશાન"
તેમણે કહ્યું હતું કે, તેઓ એક લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને માનહાનિના મામૂલી આધાર પર સજા આપીને મતવિસ્તારના લોકોને સંસદમાં તેમનો અવાજ ઉઠાવતા અને દેશના લોકતાંત્રિક શાસનમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દોષિત અને સજા પર સ્ટે નહીં મુકવાથી વાયનાડ મત વિસ્તારના લોકોને મહિનાઓ સુધી પ્રતિનિધિત્વ નહીં મળવાથી કદાપી ભરપાઈ ના થઈ શકે તેવું નુકસાન થશે.
સુરતની કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
આ કેસમાં 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, બધા ચોરોની સરનેમ મોદી જેવી જ કેમ છે? આ ટિપ્પણી બદલ ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સંસદના સભ્યપદ માટે અયોગ્ય
કોર્ટમાંથી સજા મળ્યા બાદ રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) હેઠળ, કોઈપણ ગુના માટે દોષિત ઠરેલ અને બે વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ સજાના સમયગાળા માટે અને ત્યાર બાદ છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાશે.