Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 'મોદી અટક' માનહાનિ કેસમાં બે વર્ષની સજા વિરુદ્ધ આવતીકાલે એટલે કે 3 એપ્રિલે સુરત કોર્ટમાં (Surat Court) અરજી કરી શકે છે. તાજેતરમાં જ રાહુલને મોદી સરનેમના માનહાનિના કેસમાં CJM કોર્ટે સજા સંભળાવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂકાદાને પડકારતી અરજી તૈયાર છે. આવતીકાલે રાહુલ કોર્ટમાં અરજી કરી શકે છે. તે માનહાનિના કેસમાં દોષારોપણ પર સ્ટે માંગશે. જો દોષ પર રોક લાગશે તો તેમની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે.
ખરેખરમાં, રાહુલ ગાંધીની 2019ની 'મોદી સરનેમ' પર કરવામાં આવેલી ટિપ્પણી મામલા પર સુરતની એક કોર્ટે આ વર્ષે 23 માર્ચે તેમને દોષિત ઠેરવ્યા હતા, અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા બાદ રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા અને તેમનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારપછી કોંગ્રેસના તમામ નેતાઓએ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે.
રાજકીય ઉથલપાથલ
ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના આદેશને પડકારવામાં પૂરતી તત્પરતા દર્શાવી ન હતી કારણ કે પાર્ટી કર્ણાટકની ચૂંટણીઓ પહેલા આને લાવવા માંગતી હતી. સવાલો ઉઠી રહ્યા હતા કે, કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સજા પછી નહીં. આના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, અમને ખબર છે કે ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે, કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય છે.
શું છે આખો મામલો -
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ટીપ્પણી કરી હતી કે 'બધા ચોરનું નામ મોદીના કેમ છે'. આ પછી તેની સામે કેસ થયો હતો. તેમના પર સમગ્ર મોદી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને કલંકિત કરવાનો આરોપ હતો. તેની સામે હવે કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે.