Defamation Case: ગુજરાત યુનિવર્સિટી ડિફેમેશન કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે બન્નેને રાહત આપી ન હતી અને હવે ગુજરાત હાઈકોર્ટ પણ આ કેસમાં બન્ને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત યુનિવર્સિટીને નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતની માહિતીને લઈને નેતાઓએ કરેલા નિવેદને પગલે ગુજરાત યુનિવર્સિટીએ કેસ દાખલ કર્યો છે.


સેશન્સ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 11 ઓગસ્ટે હાજર થવા માટે કહ્યું છે.


જો અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહ ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં હાજર થવા માંગતા ન હોય તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ હાઈકોર્ટમાં પણ બન્ને નેતાઓને કોઈ રાહત મળી નથી.


નોંધનીય છે કે, ગત વખતે દિલ્હીમાં આવેલા પૂરને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે ગેરહાજર રહેવાની અરજી સ્વીકારી હતી. ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની ડિગ્રી વિવાદના સંદર્ભમાં યુનિવર્સિટીની છબી ખરાબ કરવા બદલ અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


પીએમ મોદીની ડિગ્રી બતાવવાના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ વર્ષે 31 માર્ચે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે CICના આદેશને બાજુ પર રાખ્યો હતો અને અરવિંદ કેજરીવાલ પર દંડ ફટકાર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકાર પરિષદમાં બંને નેતાઓએ કરેલા નિવેદનોના આધારે ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં બંને નેતાઓને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે.


કેજરીવાલ અને સિંહે આ ટિપ્પણી ગુજરાત યુનિવર્સિટી (GU)ને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી પ્રદાન કરવા માટેના મુખ્ય માહિતી કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કરવાનો આદેશ આપ્યા પછી કરી હતી. ફરિયાદી અનુસાર, બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવીને અપમાનજનક નિવેદનો કર્યા હતા.