Independence Day 2023: ભારત દેશ પોતાની આઝાદીની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.  પરંતુ બરાબર 75 વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કેટલાક રાજ્યો એવા હતા જેમણે તે સ્વતંત્રતાની ઉજવણીમાં ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. ભારતનો નકશો જે રીતે અત્યારે દેખાય છે તે 75 વર્ષ પહેલા બિલકુલ ન હતો.ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ એવા નેતાઓમાંથી એક હતા જેમને રાષ્ટ્રની નિસ્વાર્થ સેવા માટે યાદ કરવામાં આવે છે. દેશની આઝાદી બાદ તેમણે અલગ અલગ રજવાડાઓનો ભારતમાં વિલય કર્યો હતો અને તેઓ ભારત નિર્માણના સૂત્રધાર ગણાય છે. 


સ્વતંત્રતા અગાઉ  ભારત ઘણા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી ત્યારે એવા કેટલાય રાજ્યો હતા જે નવા રચાયેલા ભારતીય ગણતંત્રમાં સામેલ નહોતા. આ રાજ્યો રજવાડાઓના નિયંત્રણ હેઠળ હતા અથવા અંગ્રેજોના ભારત છોડ્યા પછી તેમની પાસે પોતાનું ભાગ્ય પસંદ કરવાનો વિકલ્પ હતો. 


ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 હેઠળ બે સ્વતંત્ર અને અલગ સાર્વભૌમ દેશો ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા. રજવાડાઓ સમક્ષ ત્રણ વિકલ્પો મૂકવામાં આવ્યા હતા.



  1. ભારતમાં જોડાવવું

  2. પાકિસ્તાન સાથે જોડાવવું

  3. સ્વતંત્ર રહેવું.


 


આઝાદી દરમિયાન ભારત 500 થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આ રજવાડાઓ સ્વતંત્ર શાસનમાં માનતા હતા, જે મજબૂત ભારતના નિર્માણમાં સૌથી મોટો અવરોધ હતો. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ રજવાડાઓ સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા માટે સહમત થયા હતા. જૂનાગઢ રજવાડાએ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી હતી ત્યારે કાશ્મીરે સ્વતંત્ર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે ભોપાલનું રજવાડું પણ ભારતમાં જોડાવા માંગતું ન હતું, પરંતુ પાછળથી તે ભારતમાં જોડાઈ ગયું. ભારતમાં જોડાનાર છેલ્લું રજવાડું ભોપાલ હતું.


ત્રાવણકોરનું રજવાડું


સ્વતંત્રતા સમયે દક્ષિણ ભારતીય કિનારે સ્થિત ત્રાવણકોર ભારતમાં  જોડાવાનો ઇનકાર કરનાર પ્રથમ રાજ્ય હતું. આ સાથે તેમણે દેશમાં કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. વાસ્તવમાં સોના-ચાંદી અને સંપત્તિ ઉપરાંત, આ સમૃદ્ધ રજવાડામાં દરિયાઇ વેપારની ચમક અને કિંમતી 'મોનાઝાઇટ' ના ભંડારની સાથે સાથે તે માનવ અને ખનિજ સંસાધનોમાં પણ સમૃદ્ધ હતું, જેને તમામ પોતાની સાથે જોડાવવા માંગતું હતું


હૈદરાબાદનું રજવાડું


હૈદરાબાદ રાજ્ય પર નિઝામનું શાસન હતું, જેઓ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાને બદલે સ્વતંત્રતા ઇચ્છતા હતા. ભારત સરકારે નિઝામને ભારતમાં જોડાવાની વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી. અસફળ વાટાઘાટો પછી ભારત સરકારે 1948 માં "ઓપરેશન પોલો" નામનું લશ્કરી ઓપરેશન શરૂ કર્યું અને બળપૂર્વક હૈદરાબાદ પર કબજો કર્યો, તેને ભારતનો એક ભાગ બનાવ્યો હતો.


જૂનાગઢનું રજવાડું


જૂનાગઢ આધુનિક ગુજરાતમાં સ્થિત એક રજવાડું હતું. જૂનાગઢના નવાબે જે મુસ્લિમ હતા, તેમણે બહુમતી વસ્તી હિન્દુ હોવા છતાં પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. આ નિર્ણયને કારણે વિરોધની ચળવળો થઈ જેના પરિણામે ભારત સરકારે ફેબ્રુઆરી 1948માં લોકમતનું આયોજન કર્યું. જૂનાગઢના લોકોએ તેને ભારતીય સંઘનો એક ભાગ બનાવીને ભારતમાં ભળવાનો નિર્ણય કર્યો હતો.


જમ્મુ અને કાશ્મીરનું રજવાડું


જમ્મુ અને કાશ્મીર સૌથી નોંધપાત્ર ઉદાહરણ છે. આ રજવાડા પર મહારાજા હરિ સિંહનું શાસન હતું. સ્વતંત્રતા સમયે મહારાજા હરિ સિંહ તેમના રાજ્યના ભાવિ વિશે અનિશ્ચિત હતા. જો કે, 1947 માં જ્યારે પાકિસ્તાનના લડાકુઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું, ત્યારે તેઓએ ભારત પાસે મદદ માંગી. વિલય પર હસ્તાક્ષરના પરિણામસ્વરૂપ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો. જો કે, પાકિસ્તાન સમર્થિત દળોના આક્રમણને પગલે  આખરે તેનો ભારતમાં સમાવેશ કરાયો અને આજ સુધી તે વિવાદિત પ્રદેશ છે.


મણિપુરનું રજવાડું


મણિપુર એ ભારતીય સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ એક સ્વતંત્ર રજવાડું હતું. જો કે, વિવિધ આંતરિક પડકારોનો સામનો કર્યા પછી મણિપુરના મહારાજાએ 1949 માં રાજ્યને ભારતમાં જોડાવાનું નક્કી કર્યું. આ નિર્ણયે મણિપુરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.


ભારતમાં ન જોડાવા પાછળના કારણે મુખ્યત્વે ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય પરિબળો દ્વારા પ્રેરિત હતા. ભારતના ભાગલા અને વિવિધ પ્રદેશો દ્વારા કરવામાં આવેલી પસંદગીઓએ ઉપખંડની વસ્તી વિષયક અને ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપ પર કાયમી અસર કરી છે.