નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરના બડગામ  જિલ્લામાં આર્મીના  જવાનનું આતંકીઓ દ્ધારા અપહરણ કર્યાના અહેવાલને સંરક્ષણ મંત્રાલયે ફગાવી દીધા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે રજા પર ઘરે ગયેલા આર્મી જવાનનું અપહરણના  જે રિપોર્ટ આવી  રહ્યા છે તે પાયાવિહોણા છે. તે જવાન પુરી રીતે સુરક્ષિત છે. નોંધનીય છે કે  જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આર્મીના એક જવાન મોહમ્મદ યાસીનનું અપહરણ થયાના રિપોર્ટ વહેતા થયા હતા. મોહમ્મદ યાસીન જમ્મુ કાશ્મીરના લાઇટ ઇન્ફ્રૈટ્રી યુનિટમાં તૈનાત છે.

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ આ સંબંધમાં  ટ્વિટ કરી જણાવ્યું હતું કે, બડગામના  કાઝીપોરામાં રજા માણવા આવેલા આર્મીના  જવાનના અપહરણના મીડિયા રિપોર્ટ ખોટા છે. જવાન પુરી રીતે સુરક્ષિત છે. આ સંબંધમાં અફવાઓથી બચો.


નોંધનીય છે કે મે 2017માં આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે લશ્કર-એ-તોયબા અને હિઝબુલ  મુઝાહિદ્દીનના આતંકીઓએ અખનૂરથી એક જવાનનું અપહરણ કર્યું  હતું અને  બાદમાં તેની હત્યા કરી હતી.