મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના પુત્ર આકાશના લગ્ન અગાઉ મુંબઈના 50 હજાર પોલીસ કર્મચારીઓને મીઠાઈ મોકલાવી છે. મુંબઈ મેટ્રો પોલીસના તમામ પોલીસ સ્ટેશનમાં આ મીઠાઇ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીનો પુત્ર આકાશ 9 માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે લગ્ન કરશે. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતા અને મોના મહેતાની દીકરી છે.
એક ન્યૂઝ એજન્સીને એક પોલીસ અધિકારીએ કહ્યું કે મુંબઇના તમામ પોલીસ સ્ટેશનમાં મીઠાઇ મોકલવામાં આવી છે. મીઠાઇ ખાનારા એક પોલીસ જવાને કહ્યું કે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે મને મીઠાઈનો ડબ્બો મળ્યો. બાદમાં મને જાણ થઇ કે અંબાણી પરિવારે તેમના પુત્રના લગ્નના પ્રસંગે અમને આ ભેટ મોકલાવી છે. આ બોક્સ પર લખ્યું છે-આકાશ અને શ્લોકાના શુભ પ્રસંગે અમને તમારા આશિર્વાદ અને શુભકામનાઓની જરૂર છે. આ સંદેશ નીતા-મુકેશ અંબાણી, ઈશા-આનંદ અને અનંત તરફથી મોકલવામાં આવ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની કંકોત્રીમાં જણાવ્યા અનુસાર, 9 માર્ચથી 11 માર્ચ સુધી ત્રણ દિવસ લગ્ન સમારોહ ચાલશે. લગ્ન 9 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.