નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં સોમવારે તમામ ચારેય દોષિતોની ફાંસી ટાળી દેવામાં આવી છે. આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે ત્રણ માર્ચ એટલે કે મંગળવારે દોષિતોને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ફાંસીના 12 કલાક અગાઉ કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી રદ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે ફાંસી રદ કરતા કહ્યુ કે, એવામાં જ્યારે પવન કુમાર ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે, ફાંસી આપી શકાય નહી


આ મામલામાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. આજે લોકો વચ્ચે સંદેશ જઇ રહ્યો છે કે આપણા દેશમાં ન્યાય કરતા દોષિતોને સમર્થન આપવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી સિસ્ટમ પણ દોષિતોના બચાવ માટે છે.


તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને સરકારને પૂછવું જોઇએ કે તમામ દોષિતોને ફાંસી ક્યાં સુધીમાં થશે. હું દરરોજ હારું છું અને ફરીથી ઉભી થઇ જાઉ છું. આજે એકવાર ફરી હારી છું. પરંતુ હાર માનવા માટે તૈયાર નથી. ફરીથી ઉભી થઇશ અને તમામને ફાંસીના મોચડા સુધી પહોંચાડીશ.