નવી દિલ્હીઃ કોરોના વાયરસ આખી દુનિયામાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી 88 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસના બે નવા મામલા સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી અને તેલંગણામાં કોરોના વાયરસ પહોંચ્યો છે. આ મામલે સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, દિલ્હી અને તેલંગણામાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે. આ બંન્ને ઇટાલી અને દુબઇમાંથી ભારત પરત આવ્યા હતા. બંન્નેની હાલત સ્થિર છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્યમંત્રીએ જાણકારી આપી હતી કે અત્યાર સુધી ભારતમાં કુલ પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
હર્ષવર્ધને કહ્યું કે, દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિ બદલતાની સાથે જ અન્ય દેશોના પ્રવાસ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
હર્ષવર્ધને કહ્યું કે, વર્તમાનમાં ચીન અને ઇરાન માટે વર્તમાન વીઝા અને ઇ-વીઝા સસ્પેન્ડ રહેશે. સ્થિતિ બદલતાની સાથે પ્રતિબંધો અન્ય દેશો પર લાગુ થઇ શકે છે. લોકોને તેમણે સલાહ આપી હતી કે ચીન, ઇરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીનો પ્રવાસ કરવાનું ટાળવું જોઇએ.