સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પોલીસને એક લેટર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ એક ટ્રેલર હતું. આ સિવાય તેમા બે ઈરાનીઓની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસના સૂત્રો અનુસાર એમ્બેસી પાસે થયેલા બ્લાસ્ટને લઈ વધુ એકે સીસીટીવી ફૂટેજમાં એક કેબ નજર આવી હતી. જેમાંથી 2 લોકોને તે જગ્યાએ ઉતારવામાં આવ્યા હતા અને તેના બાદ કેબ જતી રહી હતી. બન્ને સંદિગ્ધ ચાલતા વિસ્ફોટવાળી જગ્યા તરફ જઈ રહ્યાં હતા. પોલીસની સ્પેશિયલ સેલે કેબ ચાલકનો સંપર્ક કર્યો છે.
અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર, એક ચાલુ કારમાંથી ઈઝરાયેલ એમ્બેસીથી માત્ર 150 મીટર દુરા એક પેકેટ ફેંકીને ગયા હતા અને બાદમાં એ પેકેટમાં ધમાકો થયો હતો. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવ્યું છે કે, આ બોમ્બ માર્કેટમાં મળતી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે.
સીસીટીવી ફૂટેજના આધારે દિલ્હી પોલીસે કારમાં સવાર કથિત આરોપીઓના સ્કેચ બનાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કારની નંબર પ્લેટની જાણકારી મેળવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરુ કરી દીધી છે.