નવી દિલ્હી: કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર સદ્ભાવના દિવસ મનાવશે અને દિવસભર ઉપવાસ રાખશે. આ ઉપવાસ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાખશે. ખેડૂત નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન તાકતા આરોપ લગાવ્યો છે કે, કૃષિ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ આંદોલનને બર્બાદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


શુક્રવારે સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પથ્થરમારો પણ થયો હતો. જેમાં દિલ્હીના અલીપૂરના એસએચઓ પ્રદીમ પાલીવાલ ઘાયલ થયા હતા. સિંઘુ બોર્ડર પર હિંસા મામલે 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય ખેડૂત યુનિયન (બીકેયૂ)ના સમર્થક દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ફરી એકત્ર થવા લાગ્યા છે અને ત્યાં ખેડૂતોની ભીઢ એકઠી થવા લાગી છે. બીકેયુના આહવાન પર મેરઠ, બાગપત, બિજનોર, મુજફ્ફરનગર, મુરાદાબાદ, બુલંદશહર જેવા પશ્ચિમી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાંથી ખેડૂતો આ આંદોલનમાં સામેલ થવા માટે યૂપી ગેટ પહોંચ્યા છે.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ ઉપવાસની જાહેરાત કરનાર સમાજસેવી અન્ના હજારે હવે ઉપવાસ નહી કરવાની જાહેરાત કરી છે. ભાજપના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચોધરી સાથેની મુલાકાત બાદ અન્ના હજારેએ જણાવ્યું કે હું હવે કૃષિ કાયદાની વિરૃદ્ધ ઉપવાસ કરવાનો નથી.