નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના તમામ એક્ઝિટ પોલમાં ભાજપને લીડ મળી છે. હવે તમામની નજર 8 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામ પર છે, જ્યારે ચૂંટણીના પરિણામો આવશે અને તે સ્પષ્ટ થઈ જશે કે દિલ્હીમાં આગામી સરકાર કોણ બનાવશે. દિલ્હીમાં મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભાજપ સરકાર બનાવતી જણાય છે. જો ચૂંટણીના પરિણામો પણ એ જ દિશામાં જાય તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ?
મુખ્યમંત્રી પદ માટે આ નામો સૌથી આગળ છે
સીએમ પદ માટે ચહેરાની પસંદગી કરવી એ ભાજપ માટે પડકારજનક નિર્ણય હશે, કારણ કે પાર્ટીમાં ઘણા મોટા નેતાઓ આ રેસમાં આગળ છે. જો કે ભાજપની ખાસિયત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય કોઈને અગાઉથી ખ્યાલ નથી કે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી પદની રેસમાં આ નામો સૌથી આગળ છે
પ્રવેશ સાહિબ સિંહ વર્મા - ભાજપના અગ્રણી નેતા અને પ્રભાવશાળી ચહેરો.
મનોજ તિવારી - ઉત્તર-પૂર્વ દિલ્હીથી સતત ત્રીજી વખત સાંસદ.
બાંસુરી સ્વરાજ - નવી દિલ્હીના સાંસદ અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના પુત્રી.
સ્મૃતિ ઈરાની - ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા નેતા.
મીનાક્ષી લેખી - ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રભાવશાળી વક્તા.
ભાજપ મહિલાને સીએમ બનાવી શકે છે
હવે જોવાનું એ રહે છે કે જો ભાજપ સત્તામાં આવશે તો પાર્ટી કયા નેતાને દિલ્હીની કમાન સોંપશે. જો ભાજપ દિલ્હીમાં મહિલા મતદારોને મજબૂત રાખવા માંગે છે તો આ વખતે તે મહિલાને રાજ્યની મુખ્યમંત્રી બનાવી શકે છે. આ પહેલા પાર્ટીએ સુષ્મા સ્વરાજના રૂપમાં દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે ભાજપ પાસે મહિલા પદ માટે ત્રણ મુખ્ય દાવેદાર છે. આમાં પહેલું નામ સ્મૃતિ ઈરાનીનું છે. બીજુ નામ મીનાક્ષી લેખી અને ત્રીજુ નામ છે બાંસુરી સ્વરાજ, સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના પુત્રી અને નવી દિલ્હીના પ્રથમ વખત સાંસદ છે, જેઓ મજબૂત કાનૂની અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા માનવામાં આવે છે. હવે ચૂંટણી પરિણામો બાદ સ્પષ્ટ થશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે.
AAPએ ચોંકાવનારો દાવો કર્યો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં મળેલા ઝટકા વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ચોંકાવનારો દાવો કર્યો છે. AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે AAP દિલ્હીમાં 50 થી વધુ સીટો પર ચૂંટણી જીતવા જઈ રહી છે. AAP સરકાર બનાવશે.
અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ગોપાલ રાયે કહ્યું કે, એક્ઝિટ પોલની મદદથી વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ (ભાજપ) એક્ઝિટ પોલની મદદથી ઓપરેશન લોટસ ચલાવીને ચૂંટણી જીતવા માંગે છે. પરંતુ અમારા તમામ ઉમેદવારો મતગણતરીની તૈયારીમાં વ્યસ્ત છે. અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ભાજપનું સત્ય સૌની સામે આવશે.