Delhi Bomb Threat Email: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેની પાસેથી કંઈ જ રિકવર થયું ન હતું. થોડા દિવસો પહેલા જ દિલ્હી-એનસીઆરની ઘણી જાણીતી શાળાઓને ધમકીભર્યા મેલ અથવા કોલ આવ્યા હતા. શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી અને તે હોક્સ કોલ હોવાનું સાબિત થયું હતું.
દિલ્હીના ફાયર વિભાગે કહ્યું કે, બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ દિલ્હી પોલીસે પણ કહ્યું કે, બુરારી હોસ્પિટલમાં બોમ્બની ધમકી મળી છે. સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ (BDT) હોસ્પિટલમાં હાજર છે. કંઈપણ શંકાસ્પદ કઈં મળ્યું નથી.
દિલ્હી અને નોઈડાની શાળાઓમાં પણ આવી જ અફવા ફેલાઈ હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓને આ જ તર્જ પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેના કારણે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ ખૂબ જ ડરી ગયા હતા. માહિતી મળતાં જ દરેક શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત જે શાળાને મેઈલ મળ્યા ન હતા તેઓના વિદ્યાર્થીઓને પણ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, શોધખોળમાં કંઈ મળ્યું ન હતું.
ચૂંટણી દરમિયાન અફવાઓએ પડકાર વધાર્યો
આવી ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી દરમિયાન સલામત મતદાન કરાવવાની જવાબદારીમાં પોલીસ વ્યસ્ત છે તો બીજી તરફ આવા મેઈલ પડકાર બનીને ઉભરી રહ્યા છે.