અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની હાલત કફોડી છે ત્યારે તેનો ભાગ લેવા માટે આમ આદમી પાર્ટી (આપ)એ કમર કસી છે. આમ આદમી પાર્ચીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવાવ માંડી છે અને તેના ભાગરૂપે દિલ્હી મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ 9 જૂન ને ગુરૂવારે વલસાડ આવશે. કેજરીવાલની હાજરીમાં ગુજરાતમાં આપના સંગઠનની રચના કરાશે.

અરવિંદ કેજરીવાલની હાજરી અંગે ગુજરાત સરકારને કે પોલીસને કોઈ માહિતી નહોતી પણ બુધવારે અચાનક જ આ વાત જાહેર થતાં પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કેજરીવાલના ગુજરાતમાં આગમનનો ઉદ્દેશ શું છે અને તેની શું અસર પડી શકે તેનું એનાલીસિસ તાત્કાલિક શરૂ કરાયું હતું.

આમ આદમી પાર્ટી (આપ)એ વલસાડના ભંડારી સમાજના હોલમાં કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહી કેજરીવાલ ગુજરાત આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ તથા કાર્યકરોને માર્ગદર્શન આપશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારે વીજળીના બિલમાં ઘટાડો સહિતનાં પગલાં ઉઠાવીને લોકોને રાહત આપી છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારનાં ક્યાં પગલાં ભરી શકાય તેની ચર્ચા પણ કરાશે.

આમ આદમી પાર્ટી (આપ)એ ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પણ તેને કારમી હાર મળી હતી. અલબત્ત હવે સંજોગો બદલાયા છે તે જોતાં આમ આદમી પાર્ટી (આપ)ને ગુજરાતમાં સારા દેખાવની આશા જાગી છે.