નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ સંક્રમિતોની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસના 13 હજારથી વધારે મામલા થઈ ગયા છે. આ દરમિયાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે.

કેજરીવાલે કહ્યું, રાજ્યમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. હોસ્પિટલમાં હજારો બેડ ખાલી છે. અમારી પાસે 240 વેંટિલેટર છે અને સરકારી-ખાનગી હોસ્પિટલના મળીને 4500 બેડ ખાલી છે. સરકારે 117 ખાનગી હોસ્પિટલોને કોરોના દર્દીઓ માટે 20 ટકા બેડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે.


તેમણે કહ્યું, લોકડાઉનમાં છૂટ આપતાં પહેલા અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, જેમાં અમે જાણ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમારો હેતુ લોકોના મોતને રોકવાનો છે. સરકારે કોરોના વાયરસ સામે લડવા જીટીબી હોસ્પિટલ તૈયાર કરી છે. જેમાં આશરે 1500 બેડ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરકાર આશરે 2000 બેડને ઓક્સીજન બેડમાં બદલવા જઈ રહી છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,418 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 261 લોકોના મોત થયા છે અને 6540 લોકો સ્વસ્થ થઈ ગયા છે.