Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ' કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ રવિવારે આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ.


 






મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજથી બે દિવસ પછી હું રાજીનામું આપવા જઈ રહ્યો છું, હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેશું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો ન આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેજરીવાલે કહ્યું, કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિઓ પણ જોઈ છે. 


જો તમને લાગે કે કેજરીવાલ પ્રમાણિક છે તો મારી તરફેણમાં ભારે મતદાન કરો. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. મારી માંગ છે કે ચૂંટણી તાત્કાલિક યોજવી જોઈએ. નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે ચૂંટણી યોજવી જોઈએ. નવા મુખ્યમંત્રીની ચૂંટણી આગામી 1-2 દિવસમાં થવી જોઈએ. મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું છે કે તેઓ ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટરનો હોદ્દો પણ જનતાની કોર્ટ દ્વારા ચૂંટાયા બાદ જ સંભાળશે. 


'ન ઝૂકેગે, ન રુકેંગે ઔર ન બિકેંગે'- CM કેજરીવાલ
AAP કાર્યકર્તાઓને સંબોધતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, જનતાના આશીર્વાદથી, અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત છે. અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઈશું.  આજે અમે દિલ્હી માટે કંઈક કરી શક્યા છીએ કારણ કે અમે ઈમાનદાર છીએ. આજે તેઓ (ભાજપ) અમારી ઈમાનદારીથી ડરે છે કારણ કે તેઓ ઈમાનદાર નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું 'પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો. બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. મને કોર્ટમાંથી ન્યાય મળ્યો, હવે જનતાની અદાલત મને ન્યાય અપાવશે.


આ પણ વાંચો...


CBIની મોટી કાર્યવાહી, જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસમાં RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ