Delhi Corona Cases: દેશમાં દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ફરીથી કોરોના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 261 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યામાં પણ 256નો વધારો થયો છે. દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધવા લાગ્યા છે. દિલ્હીમાં કોરનાનો પોઝિટિવ રેટ ફરીથી 5 ટકાને પાર થઈ ગયો છે. જેને લઈ ડોક્ટરોએ જે લોકોને કોરોનાના લક્ષણ હોય તેમને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ડોક્ટરોએ કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત પણ પહેરવું જોઈએ. છેલ્લા બે સપ્તાહમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવ રેટ વધીને 5.33 ટકા થઈ ગયો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી 20 એપ્રિલે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.


ભારતમાં શું છે સ્થિતિ


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1985 નવા કેસ અને 214 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1150 નવા કેસ નોંધાયા અને 4 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11,542 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,965 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,10,773 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,54,94,355 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,66,459 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  


ભારતમાં ચોથી લહેર આવશે ?


ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.