નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપના દોષિત અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી છે. હવે આ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઇ હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોર્ટ આજે ચારેય દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી શકે છે પરંતુ કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી અને આ મામલે 7 જાન્યુઆરીના રોજ ફરીથી સુનાવણી થશે. એવામાં દોષિતોને 20 દિવસ મળી ગયા છે.

દરમિયાન નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે, તમામ લોકો ગુનેગારોના અધિકારની વાત કરે છે. અમારા અધિકારોની કોઇ વાત નથી કરતું. ત્યારે કોર્ટે તેમને સમજાવતા કહ્યું કે, તમારા અધિકારોની વાત અને રક્ષા કરવા માટે અમે છીએ.

સાથે કોર્ટે જેલ અધિકારીઓને તમામ ચાર દોષિતોને નોટિસ જાહેર કરવા કહ્યું છે કે તેમની પાસે દયા અરજી દાખલ કરવા સાત દિવસનો સમય છે. સરકારી વકીલ રાજીવ મોહને કહ્યું કે દયા અરજી અગાઉ ડેથ વોરંટ જાહેર કરી શકાય છે. જેલ વહીવટીતંત્રના કહેવા પ્રમાણે દોષિત મુકેશ દયા અરજી કરવા માંગતો નથી. તે સિવાય દોષિત વિનય પોતાની અરજી પાછી લઇ ચૂક્યો છે. પટિયાલા કોર્ટમાં દોષિત મુકેશ તરફથી કોઇ વકીલ રજૂ થયા નહોતા.