નવી દિલ્હીઃ મની લોન્ડ્રરિંગ મામલામાં ધરપકડ કરાયેલા કોગ્રેસ નેતા ડીકે શિવકુમારની  જામીન અરજી કોર્ટે ફગાવી તેમને 13 સપ્ટેમ્બર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇડીએ શિવકુમારની 14 દિવસની કસ્ટડી માંગી હતી. ઇડીની કસ્ટડીમાં દરરોજ અડધો કલાક પરિવારજનો અને વકીલ શિવકુમારને મળી શકે છે.આ અગાઉ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.


સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજને કહ્યું કે, ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ દરમિયાન વિવિધ સ્થળો પરથી અનેક મહત્વના દસ્તાવેજ અને પૈસા મળ્યા છે. શિવકુમારના વકીલે કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ અરજીમાં રિમાન્ડને પડકારવામાં આવ્યા હતા અને બીજી અરજીમાં જામીન માંગવામાં આવ્યા હતા.

સોલિસિટર જનરલે કહ્યું કે શિવકુમારની મની લોન્ડ્રરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રોકડ જે રીતે મળી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો છે. તેમની સંપત્તિમાં અનેકગણો વધારો થયો.

શિવકુમારે તેમની ધરપકડ બાદ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર વ્યંગ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે હું બીજેપીના મિત્રોને અભિનંદન આપવા માંગું છું. આખરે તેઓને મારી ધરપકડ કરાવવામાં સફળતા મળી છે. આઈટી અને ઈડીના મારી સામે નોંધવામાં આવેલા મામલા રાજનીતિ પ્રેરિત છે. હું બીજેપીની બદલાની રાજનીતિનો શિકાર બન્યો છું.