નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન કરતારપુર સાહિબ ગુરુદ્ધારાના દર્શન માટે શ્રદ્ધાળુઓને વિઝા વિના અને ધર્મના આધાર પર કોઇ પણ પ્રકારના ભેદભાવ પર પ્રવાસ કરાવવા પર રાજી થયા છે. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એ વાત પર સહમતિ સધાઇ છે કે પ્રતિદિવસ પાંચ હજાર શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબ ગુરુદ્ધારા સાહિબના દર્શન કરી શકશે. શીખ શ્રદ્ધાળુઓ માટે પ્રસ્તાવિત કરતારપુર કોરિડોરના કરારને અંતિમ રૂપ આપવાના ઉદેશ્યથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે ત્રીજા તબક્કાની વાતચીત સફળ રહી હતી.


જોકે, કરતારપુર ગુરુદ્ધારા પરિસરમાં પ્રોટોકોલ ઓફિસરોને આવવાની મંજૂરી આપવા પર પાકિસ્તાને ઇનકાર કર્યો હતો. ભારતે ગુરુદ્ધારા કરતારપુર સાહિબના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓને સેવા કર વસૂલવાના પાકિસ્તાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અમૃતસર અને અટારીમાં યોજાઇ રહેલી સચિવ સ્તરની બેઠકમાં સામેલ થવા માટે 20 સભ્યોનું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારત પહોંચ્યુ હતું.

પાકિસ્તાન વિદેશ ઓફિસના પ્રવક્તા અને દક્ષિણ એશિયા અને સાર્ક મહાનિર્દેશક મોહમ્મદ ફૈસલે વાતચીતમાં ભાગ લેતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાન ત્રીજા તબક્કાની વાતચીતના પરિણામોને લઇને સકારાત્મક છે. ભારત અને પાકિસ્તાન ટેકનિકલ એક્સપર્ટ વચ્ચે 30 ઓગસ્ટના રોજ થયેલી બેઠક બાદ આ બેઠક યોજાઇ છે.