નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસના કેસ દરરોજ નવા નવા સ્તરે પહોંચી રહ્યા છે. ગુરુવારે 11 જૂનના રોજ દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધારે પોઝિટિવ કેસનો રેકોર્ડ બન્યો છે. રાજધાનીમાં ગુરુવારે કોરોનાના નવા 1877 કેસ સામે આવ્યા છે. જ્યારે મુતકોનો આંકડો પણ એક હજારથી વધારે પહોંચી ગયો છે.


એક જ દિવસમાં 101 મોત

દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 34,000થી વધારે પહોંચી ગઈ છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફતી ગુરુવારે બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, જીવલેણ કેસના 34,687 કેસ થયા છે.

આ પ્રથમ વખત છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના 1800થી વધારે કેસ એક જ દિવસમાં આવ્યા છે. આ પહેલા ત્રણ જૂનના રોજ સૌથી વધારે 1513 કેસ સામે આવ્યા હતા.

જ્યારે આ મહામારીને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 1085 થઈ ગઈ છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું ચે કે, 10 જૂનના રોજ 101 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી છે.

મોતના આંકડા પર વિવાદ

દિલ્હીમાં મોતના આંકડાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. ગુરુવારે જ દિલ્હીમાં ત્રણ નગર મિગમોએ પોત પોતાના વિસ્તારમાં કરવામાં આવેલ અંતિમ સંસ્કારોના આંકડા બહાર પાડ્યા છે, જે અનુસાર દિલ્હીમાં કોરોનાથી મૃતકોનો આંકડો દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવેલ સંખ્યાથી બે ગણો છે.

ત્રણ નગર નિગમો તરફથી સત્તાવાર રીતે આંકડા બહાર પાડતા કહ્યું છે કે, હાલમાં ત્રણેય નગર નિગમોની પાસે જે આંકડા છે તે જોતા દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 2098 મોત થયા છે.

એમસીડી દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર જેટલા પણ મોત થયા છે તે તમામ કોરોના પોઝિટિવ લોકોના જ હતા. જોકે આ ઉપરાંત અનેક એવા કેસ પણ સામે આવ્યા છે જેમાં મૃતકોને કોરોના શંકાસ્પદ ગણાવતા અંતિમ સંસ્કાર થયા છે.