નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગુરૂવારે દિલ્હીમાં કોરોના પોઝિટીવ કેસનો રેકોર્ડ ફરી એક વખત તૂટ્યો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર હેલ્થ બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1877 નવા કેસ નોંધાયા છે. જેના કારણે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 34 હજારને પાર પહોંચી છે. દિલ્હીમાં હવે કોરોનાના કુલ 34,687 કેસ થયા છે.



ગુરૂવારે માત્ર કોરોનાના કેસ જ નહી પરંતુ 24 કલાકમાં થયેલા મોતનો આંકડો પણ વધ્યો છે. દિલ્હીમાં કુલ મોતનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 65 લોકોના મોત થયા છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ સાથે જ ડેથ ઓડિટ કમિટીની રિપોર્ટ મુજબ 36 મોતના લેટ રિપોર્ટિંગના કારણે કુલ 101 મોત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ કુલ મોતનો આંકડો 984થી વધીને 1085 થઈ ગયો છે.
આ સાથે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 486 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12,731 પર પહોંચી છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 20871 છે. દિલ્હી સરકારના આંકડા મુજબ કુલ 271516 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે દિલ્હી નગર નિગમ તરફથી દિલ્હીમાં કોરોનાથી થયેલા મોતના ખોટા આંકડા જાહેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેના પર દિલ્હી સરકાર તરફથી આધિકારીક નિવેદન જાહેર કરી કહ્યું છે, કોરોનાથી થતા મોતના આંકલન માટે દિલ્હી સરકારે વરિષ્ઠ ડૉક્ટરની એક ડેથ ઓડિટ કમિટી બનાવ છે જે નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી રહી છે. માનનીય દિલ્હી હાઈકોર્ટે પણ કમિટીનો યોગ્ય ગણાવતા કહ્યું હતું કે કમિટીના કામ કરવાની રીત પર સવાલ ન ઉઠાવી શકાય. અમારૂ માનવું છે કે કોરોનાથી કોઈપણ મોત પર રાજકારણ ન થવું જોઈએ. આપણે મળીને એકજૂટ થઈને લોકોના જીવ બચાવવા છે. આ સમય આરોપ પ્રત્યારોપનો નથી. આપણે બધાએ સાથે મળી આ મહામારી સામે લડવાની છે અને એ સુનિશ્ચિત કરવાનું છે કે કોરોનાથી એકપણ મોત ન થાય.