Delhi Covid-19 Restrictions: રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસમાં ઘણો ઘટાડો થયો છે. આ સાથે કોરોના પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. ત્યારે હવે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શહેરમાં લાગેલા કોરોના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વિશે માહિતી આપતાં કહ્યું કે, એપ્રિલ મહિનાથી શાળાઓ સંપુર્ણ રીતે ઓફલાઈન થઈ જશે. સાથે જ માસ્ક ના પહેરનાર લોકો સામે દંડની રકમમાં ઘટાડો કરીને 500 રુપિયા કરી દેવાયો છે. આ પહેલાં 2000નો દંડ લેવાતો હતો.
બસો અને મેટ્રોમાં ઉભા રહીને સફર કરવા માટે મંજૂરીઃ
દિલ્લીમાં બધા પ્રતિબંધો હટાવાથી સોમવારથી નાઈટ કર્ફ્યુ લાગુ નહી પડે. આ સાથે બધા કોરોના નિયમો હટશે. બસોમાં અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની પણ મંજૂરી મળશે. દુકાનો અને રેસ્ટોરેન્ટ ખોલવાના અને બંધ કરવાના સમયની સીમા પણ દૂર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, DDMAએ બધા પ્રતિબંધ દૂર કર્યા છે, કારણ કે લોકોને નોકરીઓમાં થતા નુકસાનથી કઠણાઈઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, માસ્ક ના પહેરવા પર હવે 500 રુપિયાનો દંડ લેવામાં આવશે.
દિલ્લીમાં હાલની કોરોના સ્થિતિઃ
ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 556 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર 1.10 ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે કે, એક દિવસ પહેલાં કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા 50,591 હતી, જ્યારે એક દિવસમાં 618 દર્દીઓને રજા આપવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 18,58,154 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26,115 પર પહોંચ્યો છે.