PM Modi in Budget Webinar: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ વેબીનારમાં સંબોધન કર્યું હતું. આ વેબીનારનું શિર્ષક "રક્ષામાં આત્મનિર્ભર" હતું. કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વિતેલા કેટલાક વર્ષોમાં ભારતે પોતાના રક્ષા ક્ષેત્રમાં જે રીતે આત્મનિર્ભરતા પર ભાર મુક્યો છે તેની કટિબદ્ધતા તમને આ વર્ષના બજેટમાં જોવા મળી હશે. તેમણે કહ્યું કે, ગુલામીના સમયમાં અને આઝાદી પછીના સમયમાં પણ આપણી રક્ષા ઉત્પાદકતાની તાકાત ઘણી હતી. 


રક્ષા બજેટનો લગભગ 70% ભાગ ફક્ત સ્થાનિક ઉદ્યોગ માટે રખાયોઃ PM મોદી


પીએમ મોદીએ કહ્યું, "આ વર્ષના બજેટમાં સંશોધન, ડિઝાઇન અને વિકાસથી લઈને ઉત્પાદન સુધી દેશમાં વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ વિકસાવવાની બ્લુપ્રિન્ટ રખાઈ છે. સંરક્ષણ બજેટમાં લગભગ 70% માત્ર સ્થાનિક ઉદ્યોગ માટે રાખવામાં આવ્યું છે. હું દેશની સેનાઓની પણ પ્રશંસા કરીશ કે, તેઓ પણ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાના મહત્વને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લે છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે આપણે દેશ બહારથી અસ્ત્ર-શસ્ત્ર લાવીએ છીએ ત્યારે તેની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે આ શસ્ત્રો આપણા સુરક્ષા દળો સુધી પહોંચે ત્યાં સુધીમાં તેમાંથી ઘણા જૂના થઈ ગયા હોય છે. આનો ઉકેલ પણ 'આત્મનિર્ભર ભારત અભિયાન' અને 'મેક ઇન ઇન્ડિયા'માં છે.


ભારતની ITની તાકાત આપણું મોટું સામર્થ્યઃ પીએમ મોદી


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજે આપણી સેના પાસે ભારતમાં બનેલા ઉપકરણો છે, તેથી તેમનો આત્મવિશ્વાસ, તેમનું ગૌરવ પણ નવી ઊંચાઈએ પહોંચે છે. આમાં આપણે સરહદ પર તૈનાત જવાનોની લાગણીઓને પણ સમજવી જોઈએ. ભારતમાં બનેલી વસ્તુઓ પ્રત્યે સૈનિકોનું એક અલગ સ્વાભિમાન હોય છે. એટલા માટે આપણે આપણા સંરક્ષણ સાધનો માટે આપણા સૈનિકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. આપણે આ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે સ્વતંત્ર હોઈએ. ભારતની જે ITની તાકાત છે, એ આપણી મોટી તાકાત છે. આ શક્તિનો આપણે આપણા સંરક્ષણ ક્ષેત્રમાં જેટલો ઉપયોગ કરીશું, તેટલા જ સુરક્ષામાં વધુ નિશ્ચિંત રહીશું.


સાયબર સિક્યુરીટી રાષ્ટ્રની સુરક્ષાનો વિષય બન્યુંઃ પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું, " હવે સાયબર સુરક્ષા માત્ર ડિજિટલ વિશ્વ સુધી મર્યાદિત નથી. તે રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની ગયું છે. પહેલાંના જમાનામાં બહારની કંપનીઓમાંથી જે સામાન ખરીદવામાં આવતો હતો તેના પર વારંવાર વિવિધ આક્ષેપો થતા હતા. દરેક ખરીદી વિવાદનું કારણ બનતી હતી. વિવિધ ઉત્પાદકો વચ્ચે જે સ્પર્ધા થાય છે તે ભ્રષ્ટાચારના દરવાજા પણ ખોલે છે. અમે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આના ઉકેલો પણ મેળવે છે.


પીએમે આગળ કહ્યું- "જ્યારે આપણે સંપૂર્ણ નિષ્ઠા સાથે નિશ્ચય સાથે આગળ વધીએ છીએ ત્યારે કેવા પરિણામો આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણી ઓર્ડિનેન્સ ફેક્ટરીઓ છે. ગયા વર્ષે અમે 7 નવા સંરક્ષણ જાહેર ઉપક્રમો બનાવ્યાં. આજે તેઓ ઝડપથી પોતાના વેપારને વિસ્તારી રહ્યા છે, નવા બજારો સુધી પહોંચી રહ્યા છે. તે પણ ખૂબ જ સુખદ બાબત છે કે, છેલ્લા 5-6 વર્ષમાં અમે સંરક્ષણ નિકાસમાં 6 ગણો વધારો કર્યો છે. આજે અમે 75થી વધુ દેશોને મેડ ઈન ઈન્ડિયા સંરક્ષણ ઉપકરણો અને સેવાઓ આપી રહ્યા છીએ." તેમણે કહ્યું, "આ મેક ઈન ઈન્ડિયા માટે સરકારના પ્રોત્સાહનનું પરિણામ છે કે, છેલ્લા 7 વર્ષમાં, સંરક્ષણ ઉત્પાદન માટે 350થી વધુ, નવા ઔદ્યોગિક લાઇસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે 2001થી 2014 સુધીના 14 વર્ષમાં માત્ર 200 લાયસન્સ આપવામાં આવ્યા હતા.