નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યુ છે. દિવસે દિવસે અહીં કોરોના વકરી રહ્યો છે અને કેર વર્તાવી રહ્યો છે, કોરોનાના ભયના કારણે હવે રાજ્યની કેજરીવાલ સરકારે મોટો ફેંસલો કર્યો છે. હવે દિલ્હીમાં માસ્ક ના પહેરનારાઓ પર 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ પહેલા અહીં દંડની રકમ 500 રૂપિયા હતી, જેને હવે ચાર ગણી વધારી દેવામાં આવી છે.


બુધવારે નોંધાયા રેકોર્ડ કેસો
દિલ્હીમાં બુધવારે કોરોનાના રેકોર્ડ કેસો નોંધાયા, અહીં 7486 નવા કેસો સામે આવ્યા, આ પછી રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 5 લાખને પાર પહોંચી ગઇ. આ મહામારીથી બુધવારે રેકોર્ડ 131 લોકોના મોત પણ થયા હતા. જે એક દિવસમાં સૌથી વધુ મોતો છે.

એક અઠવાડિયામાં 715 મોત
દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસો પર નજર કરીએ તો અહીં 12 નવેમ્બર એટલે કે ગયા ગુરુવારથી 18 નવેમ્બર સુધી 43 હજાર 109 નવા કેસો આવી ચૂક્યા છે, જ્યારે આ દરમિયાન 715 લોકોના મોત પણ થયા છે.

દિલ્હીમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો પાંચ લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કુલ કેસનો આંકડો 5,03,084 થઇ ગયો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માત્ર 10 દિવસમાં અંદાજે 60 હજાર કેસ નોંધાઇ ગયા છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કુલ 59,532 કોરોના કેસો રિપોર્ટ થયા છે.

દિલ્હીમાં અત્યાર સુધી સાડા ચાર લાખ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ ઠીક થયા છે, અને અત્યાર સુધી 4,52,683 લોકો કોરોનાથી સજા થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 42,458 છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 12.03 ટકા છે, અને કોરોનાથી રિક્વરી રેટ 89.98 ટકા છે.