Scooty Girls Friend Nidhi :કાંઝાવાલા રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્કૂટી સવાર યુવતીની મહિલા મિત્રએ અનેક ખુલાસા કર્યા છે. સહેલીના ખુલાસા બાદ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. યુવતીની મિત્ર નિધિએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેની મિત્રએ તે સમયે દારૂ પીધો હતો. અકસ્માત સમયે નિધિ સ્કૂટી પર પાછળ બેઠી હતી. અકસ્માત બાદ નિધિ સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. 


મૃતક યુવતીની મિત્ર નિધિએ કહ્યું હતું કે, ટક્કર બાદ કાર સવારોને ખબર પડી ગઈ હતી કે, તેની મિત્ર કારમાં ફસાઈ ગઈ છે. તે કારમાં કોઈ મ્યુઝિક પણ નહોતુ વાગી રહ્યું. નિધિએ વધુમાં ઉમેર્યું હતું કે, અકસ્માત બાદ હું ખુબ ડરી ગઈ હતી. અકસ્માત પછી મને કંઈ સમજાયું જ નહીં, તેથી મેં પોલીસને ફોન પણ ના કર્યો.


મિત્ર ચીસો પાડતી રહ્યો પણ તે તેને ઢસડતા રહ્યાં


અકસ્માત અંગે નિધિએ હચમચાવી મુકે તેવા ખુલાસા કર્યા હતાં. નિધિએ જણાવ્યું હતું કે, રસ્તામાં અચાનક સામેથી એક કારે અમને ટક્કર મારી. જેથી કરીને હું બાજુ પર પડી ગઈ અને મારી મિત્ર કારની નીચે ઘૂસી ગઈ. નિધિએ કહ્યું કે, મારી મિત્રનો પગ અથવા કંઈક બીજી વસ્તુ કારની નીચે ફસાઈ ગઈ હતી. જેના કારણે તે કારની નીચેથી બહાર નીકળી જ ના શકી. નિધિએ કહ્યું હતું કે, કાર ચાલકોએ કારને આગળ-પાછળ પણ કરી. તે દરમિયાન મારી મિત્ર જોર જોરથી ચિલ્લાતી રહી. પરંતુ કાર ચાલકો તેને ઢસડતા ચાલ્યા ગયા. અમે પાર્ટી કરીને આરામથી આવી રહ્યાં હતાં. તેણે મને મારા પહેલા ઘરે ડ્રોપ કરીને પછી તેણે પોતાના ઘરે જવાનું હતું. 


મેં મારી માતાને ઘટનાની કરી હતી જાણ 


અકસ્માત અંગે નિધિએ જણાવ્યું હતું કે, કારમાં સવાર લોકોને એ વાતની ચોક્કસ ખબર હતી જ કે યુવતી તેમના વાહનની નીચે ફસાઈ ગઈ છે. તેઓ (કાર ચાલકો) જાણતા હતા કે મહિલા વાહનની નીચે ફસાઈ ગઈ છે. આ બધું જાણતા હોવા છતાંયે કાર ચાલકો જાણી જોઈને કાર હંકારવાનું યથાવત રાખ્યું હતું. કાર ચાલકો એક વાર પણ નીચે નહોતા ઉતર્યા. આ ઘટનાને લઈ પોલીસને કેમ જાણ ના કરી? તેને લઈને નિધિએ કહ્યું હતું કે, અકસ્માત બાદ હું સંપૂર્ણપણે ડરી ગઈ હતી. મેં આ અંગે મારી માતા અને દાદીને જાણ કરી હતી. હું એટલી હદે ડરી અને સહેમી ગઈ હતી કે મને શું કરવું કે શું નહીં તે અંગે કંઈ સુઝતુ જ નહોતું. હું ઘટનાસ્થળેથી ચાલતા જ મારા ઘરે આવી ગઈ હતી.


બીજી તરફ આ અકસ્માતમાં મૃતક પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કારની ટક્કર બાદ યુવતીને કેટલાય કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. તેના માથા, કરોડરજ્જુ અને શરીરના નીચલા ભાગમાં ઈજા થવાને કારણે લોહી વહેવા અને ઈજાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સાથે જ રિપોર્ટમાં યુવતી સાથે કોઈ શારીરીક દુષ્કર્મ થયાનું સામે નથી આવ્યું. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોનું માનવું છે કે, મૃતક યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના કોઈ નિશાન નથી. સોમવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ કેમ્પસમાં મેડિકલ બોર્ડની દેખરેખ હેઠળ યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.