Delhi Air Pollution: રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે કેજરીવાલ સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે, તેમની સરકાર પૂર્ણ લોકડાઉન લગાવવા તૈયાર છે. કેજરીવાલ સરકારે કોર્ટમાં એમ પણ કહ્યું કે, પડોશી રાજ્ય અંતર્ગત આવતાં એનસીઆરમાં પણ લોકડાઉન લગાવાય તો વધારે સાર્થક ગણાશે. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી સરકારે શનિવાર ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પૂર્ણ લોકડાઉન લગાવવાનું સૂચન કર્યુ છે. કોર્ટના આદેશને લઈ અમે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છીએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ સમયે અમારો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને રાહત આપવાનો છે. તેમણે કહ્યું કે તેમણે તમામ વિભાગોના લોકો સાથે બેઠક કરી અને ચાર નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે આ કોઈની સામે આંગળી ચીંધવાનો સમય નથી. પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લાગુ કરવા માટે વિચારણા કરવાનું કહ્યું હતું. આના પર સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ સંપૂર્ણ લોકડાઉન પર પ્રસ્તાવ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકીશું. કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે જો સ્થિતિ આવી જ બને છે (પ્રદૂષણ વધુ વધે છે), તો દિલ્હીમાં તમામ ખાનગી વાહનો, બાંધકામ, પરિવહન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ માત્ર એક પ્રસ્તાવ છે.
સીએમ કેજરીવાલે આ મોટી જાહેરાતો કરી હતી
- રાજધાની દિલ્હીમાં તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ.
- સરકારી કર્મચારીઓ એક અઠવાડિયા સુધી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરશે.
- ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવશે.
- સોમવારથી ત્રણ દિવસ શહેરમાં બાંધકામની પ્રવૃત્તિઓ બંધ રહેશે.
દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.