નવી દિલ્હીઃ નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 38 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી લોકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ રહેવું પડે છે. પોલીસ ધણી વખત રસ્તા પર પ્રદર્શન કરી રહેલા લોકોને રસ્તો ખાલી કરવા અપીલ કરી ચૂકી છે.


આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે જલ્દી આ સમસ્યાનું સમાધાન લાવવા પોલીસને કહ્યું છે. દિલ્હી પોલીસે અમન કમિટી અને ત્યાં બેઠેલા લોકો સાથે ઘણી વખત વાત કરી. મંગળવારે ઉપરાજ્યપાલના કહેવાથી પ્રદર્શનકારીઓનું એક ડેલીગેશન ઉપરાજ્યપાલને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યું હતું.


આ ડેલીગેશનમાં 8 સભ્યો હતા. તેમણે ઉપરાજ્યપાલ સામે સીએએ અને એનઆરસીને લઈને પોતાના વિરોધ વ્યક્ત કર્યો. મુલાકાત બાદ ડેલિગેશનના સદસ્યોએ કહ્યું કે ઉપરાજયપાલે તેમની વાત ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે.

ડેલીગેશનના સદસ્ય તાસીર અહમદે કહ્યું કે અમે અમારી વાત ઉપરાજ્યપાલ સામે રાખી છે. ઉપરાજ્યપાલે કહ્યું છે કે અમારી વાત ગૃહ મંત્રાલય સુધી પહોંચાડશે. તાસીર અહમદનું કહેવું છે કે પ્રદર્શન ચાલુ રહેશે.

તેમણે કહ્યું અમે કાલના સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈશું. એમ્બ્યૂલન્સને પહેલા પણ રસ્તો આપતા હતા, સ્કૂલ બસને પણ રસ્તો આપીશું. ઉપરાજ્યપાલ સાથે મુલાકાત બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હટવા માટે તૈયાર નથી.