નવી દિલ્હી: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની જામીનની શરતોમાં બદલાવ કરવામાં આવ્યો છે. મંગળવારે દિલ્હીની તીસ હજારી કોર્ટે ચંદ્રશેખર આઝાદના જામીનની શરતોમાં થોડી છૂટ આપીને તેને દિલ્હી આવવાની મંજૂરી આપી છે. જો કે, તેણે દિલ્હી પોલીસને તેના કાર્યક્રમો અંગે જણાવવાનું છે.

નાગરિકતા કાયદા વિરૂદ્ધ જામા મસ્જિદમાં પ્રદર્શન કરવા બદલ ચંદ્રશેખર આઝાદની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં ચંદ્રશેખરને 16 જાન્યુઆરીએ તીસ હજારી કોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ જામીનની શરતો મુજબ તેમને 24 કલાકની અંદર દિલ્હી છોડવાનું કહેવામાં આવ્યું હતું.


જામીનની શરતો પર ફરીથી વિચારણા કરવા અંગે ચંદ્રશેખર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે તેમને મંગળવારે દિલ્હી આવવાની મંજૂરી આપી હતી. તીસ હજારી કોર્ટે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખના બેલમાં કેટલાક સુધારા કર્યા છે. કોર્ટે તેના સુધારામાં કહ્યું છે કે જ્યારે પણ ચંદ્રશેખર દિલ્હી આવવાના છે, ત્યારે તેઓ ડીસીપી ક્રાઈમને કહેશે, જો તમે ડીસીપી સાથે ફોન પર વાત નહીં કરી શકો તો તમારે ઇમેઇલ કરવો પડશે. જ્યારે તમે બહાર જાઓ ત્યારે પણ કહીને જશો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ દિલ્હી આવવા માંગતા હોય તો તેઓ કોર્ટ દ્વારા આપેલા સરનામે રોકાશે.

ચંદ્રશેખર આઝાદની સંસ્થા ભીમ આર્મીએ 20 ડિસેમ્બરે સીએએ વિરુદ્ધ જામા મસ્જિદથી જંતર મંતર સુધીની પદયાત્રા કાઢી હતી. પોલીસે તેની મંજૂરી આપી ન હતી. ચંદ્રશેખર અહીં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. 26 દિવસ જેલમાં રહ્યા બાદ 16 જાન્યુઆરીએ તેને કોર્ટે જામીન આપ્યા હતા. તીસ હજારી કોર્ટે કોઈ પણ પ્રદર્શનમાં ન આવવાની અને 24 કલાકની અંદર દિલ્હી છોડવાની શરતે તેને જામીન આપી દીધા હતા.