નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત ઝડપથી વધારો થઈ રહ્યો છે.  દિલ્હી સરકારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી છે. આ અંતર્ગત હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, દવાઓ અને રસીની ઉપલબ્ધતા માટે તૈયારી કરવા કહેવામાં આવ્યું છે. બધા પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લોક નાયક હોસ્પિટલમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે.

સાત મુદ્દાઓમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી

  • હોસ્પિટલની તૈયારી જેમાં બેડ, ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓ, રસીઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે. ઉપરાંત, વેન્ટિલેટર, Bi-PAP, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પીએસએ પ્લાન્ટ વગેરે જેવા તમામ સાધનો યોગ્ય અને કાર્યરત સ્થિતિમાં હોવા જોઈએ.
  • સ્ટાફને તાલીમ આપવી જોઈએ.
  • આ કેસોની જાણ બધા આરોગ્ય કેન્દ્રો (OPD/IPD) માં દરરોજ થવી જોઈએ.
  • દિલ્હી સ્ટેટ હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોર્ટલ પર દરરોજ જરૂરી બધી માહિતી મોકલવી.
  • કોવિડ-19 પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પૂરતા પ્રમાણમાં પરીક્ષણની ખાતરી કરો.
  • જીનોમ સિક્વન્સિંગ માટે લોકનાયક હોસ્પિટલમાં મોકલો.
  • બધી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા. 

દિલ્હી સરકાર તૈયાર છે - આરોગ્ય મંત્રી

અગાઉ, દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ કુમાર સિંહે કહ્યું હતું કે, "ગઈકાલ સુધી, દિલ્હીમાં કોરોનાના કુલ 23 કેસ નોંધાયા હતા. તે ખાનગી લેબમાંથી આવ્યા છે. દિલ્હી સરકાર પહેલા જોવા માંગે છે કે આ દર્દીઓ દિલ્હીના હતા કે દિલ્હીની બહારથી આવ્યા હતા. આ એક અલગ બાબત છે. બીજું તૈયારી તરીકે અમે અમારા બધા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત કરી છે. ડોકટરોની બધી ટીમો સાથે વાત કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર કોઈપણ બાબત માટે તૈયાર છે."

'ગભરાવાની જરૂર નથી'

મીડિયા સાથે વાત કરતા આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું, "કોઈએ ગભરાવાની જરૂર નથી. કારણ કે આ વેરિઅન્ટે જે રુપ દર્શાવવામાં આવેલ છે તે સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા જેવું લાગે છે. બાકીના રિપોર્ટ આવશે તે  તમારી સામે લાવવામાં આવશે. હાલમાં 23 દર્દીઓ  છે. મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે."

'8 વરિષ્ઠ અધિકારીઓને ખાસ તૈનાત કરવામાં આવ્યા હતા'

પંકજ સિંહે કહ્યું કે હોસ્પિટલો કોઈપણ કટોકટી માટે તૈયાર છે. અમારા આઠ વરિષ્ઠ અધિકારીઓને ખાસ તૈનાત કરવામાં આવ્યા છે. તે દરરોજ તપાસ કરે છે અને  દરરોજ રિપોર્ટિંગ કરે છે.